તુષાર કપૂર પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ૫ કરોડની ખંડણીની માગ, પોલીસ તપાસમાં ધમકી નકલી નીકળી

'હેરી બોક્સર' બનીને અજાણ્યા શખ્સે કર્યો હતો ધમકીભર્યો કોલ; ઓડિયો અને અવાજના નમૂનાની સરખામણી બાદ મુંબઈ પોલીસનો ખુલાસો

તુષાર કપૂર પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ૫ કરોડની ખંડણીની માગ, પોલીસ તપાસમાં ધમકી નકલી નીકળી

મુંબઈ, તા. ૪
બોલિવૂડ અભિનેતા તુષાર કપૂર પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. એક અજાણ્યા શખ્સે ફોન કરીને પોતે ગેંગનો સભ્ય 'હેરી બોક્સર' હોવાનો દાવો કર્યો હતો. જોકે, મુંબઈ પોલીસની તપાસમાં આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફોન કરનાર વ્યક્તિનો અસલી હેરી બોક્સર સાથે કોઈ સંબંધ હોવાનું જણાયું નથી અને તેણે ગેંગના નામનો દુરુપયોગ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, તુષાર કપૂરને તાજેતરમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હેરી બોક્સર તરીકે આપીને અભિનેતા પાસે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. તુષાર કપૂરે આ ધમકીથી ગભરાયા વિના તાત્કાલિક મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી એક્સોર્શન સેલે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ફોરેન્સિક તપાસ દરમિયાન ધમકીભર્યા કોલનું ઓડિયો રેકોર્ડિંગ પોલીસ ડેટાબેઝમાં ઉપલબ્ધ અસલી હેરી બોક્સરના અવાજના નમૂના સાથે સરખાવવામાં આવ્યું હતું. તપાસમાં બંને અવાજ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. આથી ધમકી આપનાર વ્યક્તિ અસલી હેરી બોક્સર ન હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ કોલ કરનાર શખ્સ અને તેની પાછળનો હેતુ જાણવા માટે તપાસ કરી રહી છે.
દરમિયાન બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની સુરક્ષાને લઈને પણ તાજેતરમાં ચિંતા ઊભી થઈ હતી. તેમના પ્રખ્યાત નિવાસસ્થાન 'જલસા'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઇલ મળ્યા બાદ મુંબઈ પોલીસે બંગલાની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી હતી. ગત રવિવારે ચાહકોને મળવા બહાર આવેલા અમિતાભ બચ્ચન કડક સુરક્ષા વચ્ચે બુલેટપ્રૂફ કાચની આડમાં જોવા મળ્યા હતા. આ સમયે તેમની સાથે પુત્ર અભિષેક બચ્ચન પણ હાજર હતા.
આ ઉપરાંત, ગત ૧૮ ઓક્ટોબરે અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગની ઘટના પણ ચર્ચામાં છે. ટાઈગર શ્રોફ ફૂટબોલ પ્રેક્ટિસ પૂર્ણ કરીને પોતાની કારમાં ગ્રાઉન્ડની બહાર નીકળી રહ્યા હતા ત્યારે અગાઉથી ત્યાં હાજર બે શૂટરોએ તેમની કાર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ટાઈગર શ્રોફનો આબાદ બચાવ થયો હતો, જોકે તેમના ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગોળી વાગી હતી. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ સ્વીકારી હોવાનો અહેવાલ છે. આ કેસમાં પોલીસે ગેંગના સભ્ય અનિલ પંડિતને મુખ્ય આરોપી તરીકે નામિત કર્યો છે.
બોલિવૂડની જાણીતી હસ્તીઓને મળી રહેલી ધમકીઓ અને હુમલાની ઘટનાઓને પગલે મુંબઈ પોલીસ સુરક્ષાના મુદ્દે સતર્ક બની છે. તુષાર કપૂરને મળેલી ખંડણીની ધમકી સહિતના તમામ મામલાઓમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.