શ્રીગંગાનગરમાં રેલ્વે ટ્રેક પર ભિષણ વિસ્ફોટ પેસેન્જર ટ્રેનને ઉથલાવી દેવાનું ષડયંત્ર
જયપુર તા.૪
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેશને હચમચાવી નાખવા અને એક મોટી પેસેન્જર ટ્રેનને ઉડાવી દેવાના હેતુથી રેલવે ટ્રેક પર એક શક્તિશાળી વિસ્ફોટ કરવામાં આવ્યો છે. અનૂપગઢથી સુરતગઢ જતી રેલવે લાઇન પર થયેલા આ ભીષણ વિસ્ફોટે સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે. આ ઘટના પાછળ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓની કોઈ મોટી સાજીશ હતી કે કેમ ? તે અંગે દેશની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ વિસ્ફોટના કારણે ટ્રેકની વચ્ચે આવતા સ્લીપર પિલર ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. આસપાસનાં ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત ટ્રેક જાેઈને પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ગેટમેને પણ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી.
વિસ્ફોટથી રેલવે ટ્રેક નીચે બે થી ત્રણ સિમેન્ટ સ્લીપર પિલરને નુકસાન થયું હતું. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સિમેન્ટના થાંભલાની અંદરના લોખંડના સળિયા બહાર નીકળી ગયા હતા અને રેલવે લાઇનના ક્લિપર્સ પણ ટ્રેકથી અલગ થઈ ગયા હતા.
કેન્દ્રીય એજન્સીઓ પાકિસ્તાનની ISI અને આતંકી શહજાદ ભટ્ટીના નેટવર્કની ભૂમિકાની આશંકાએ તપાસ કરી રહી છે.


