જૂનાગઢમાં દિપોત્સવી પર્વની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ

રંગોળીના કલર તોરણ, દીવડા, સહિતની ઘર સજાવટની ચીજ વસ્તુઓની ખરીદી - બજારોમાં ધુમગીર્દી

જૂનાગઢમાં દિપોત્સવી પર્વની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ તા.૪
દિવાળીના તહેવાર ઢૂકડા આવી ગયા છે ત્યારે બજારોમાં પર્વલક્ષી ખરીદી શરૂ થઈ છે અને આજ થી જ બજારોમાં ધૂમ ખરીદીનો માહોલ શરૂ થઇ જશે.દીપાવલી અને નૂતનવર્ષના તહેવારોની ઉજવણી દેશભરમાં ભારે ઉત્સાહભેર કરવામાં આવશે અને જે અંગેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. 
દિવાળીનાં તહેવારોમાં ખાસ કરીને સોના-ચાંદીના દાગીના, કપડાં, ઇલેક્ટ્રીક વસ્તુઓ,નવા વાહન ખરીદવા, ઉપરાંત વ્યવસાય કેન્દ્ર તેમજ ઘર, ઓફિસને રંગરોગાન કરવા સહિતનાં કામો માટે આમ જોવા જઈએ તો આસો નવરાત્રી અને શરદપૂનમના પર્વ બાદ લોકો દિવાળીની તૈયારીમાં લાગી જતા હોય છે દિવાળીનો તહેવાર સૌથી મોટો તહેવાર હોય જેથી પ્રકાશનાં પર્વ દીપાવલીની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી સર્વત્ર કરવામાં આવે છે આગામી દીપાવલીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારોમાં પણ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની ખરીદી શરૂ થઇ છે.
સવારના સમયે તેમજ સાંજના સમયે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરની બજારોમાં ભારે ચહલ પહલ જોવા મળે છે દિવાળી પર્વ માટે ખરીદીની ધૂમ ઉઠી છે ધનતેરસની પૂજા, દીપાવલીનું શારદાપૂજન, તેમજ બેસતા વર્ષના દિવસે યોજાતા સ્નેહમિલનના કાર્યક્રમ ઉપરાંત લોકો પરસ્પર એકબીજાને મળે ‘સાલમુબારક‘ પાઠવે જેવા કાર્યક્રમો પણ યોજાતા હોય છે.
દિવાળીના તહેવારોને લઈને ઘર આંગણાની સજાવટ માટે તોરણ ઇલેક્ટ્રિક સીરીઝોની ખરીદી ઉપરાંત રંગોળી બનાવવા માટેનાં કલરની ખરીદી પણ કરવામાં આવતી હોય છે ખાસ દિવાળીપર્વને અનુલક્ષીને જૂનાગઢની બજારોમાં ૨૫ થી વધુ પ્રકારના રંગોળીના રંગો ઉપલબ્ધ બન્યા છે આ વર્ષે રંગોળીમાં ચિરોડી કલરની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે આ ઉપરાંત લાલ, પીળો, કેસરી અને ગુલાબી જેવા રંગો પણ લોકોમાં પ્રિય છે અને તેની માંગ વધી છે આ વર્ષે રંગોના ભાવમાં ૧૨ ટકા જેટલો વધારો નોંધાયો છે દરમ્યાન રંગોળી બનાવવાની રીત રસમો ખુબજ બદલાઈ છે આજે બજારમાં પ્લાસ્ટિક, કાગળ અને ધાતુની જાળીઓ તેમજ સ્ટેન્સિલ ઉપલબ્ધ છે. જેનાથી ઓછી મહેનતે આકર્ષક અને જટિલ ડિઝાઇન પણ સરળતાથી બનાવી શકાય છે આ ઉપરાંત ઘર સજાવટ માટે દેવી-દેવતા, સ્વસ્તિક, ઓમ, પગલાં, સાથિયા તેમજ લાભ-શુભ જેવા ૨૦ થી વધુ પ્રકારના રેડીમેડ સ્ટીકર્સ અને સુશોભનની વસ્તુઓ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે જૂનાગઢ શહેરમાં દિવાળીપર્વ ભવ્ય રીતે ઉજવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.