રશ્મિકા મંદાનાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક અવતાર, 'મૈસા'ના પહેલા ગીતમાં જોવા મળ્યો તાંડવ અંદાજ

'ઓ મૈસા રે' ગીતમાં રશ્મિકાની ધમાકેદાર એક્શન અને દમદાર પર્ફોર્મન્સની ઝલક; ફિલ્મ ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ થશે રિલીઝ

રશ્મિકા મંદાનાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક અવતાર, 'મૈસા'ના પહેલા ગીતમાં જોવા મળ્યો તાંડવ અંદાજ

મુંબઈ, તા. ૪
અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આગામી ફિલ્મ 'મૈસા'માં અત્યાર સુધી ક્યારેય ન જોયેલા અંદાજમાં જોવા મળવાની છે. ફિલ્મનું પ્રથમ ગીત 'ઓ મૈસા રે' તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં રશ્મિકાનો નિર્ભય, આક્રમક અને ખતરનાક અવતાર જોવા મળે છે. ગીતમાં તેની ધમાકેદાર એક્શન, દમદાર એક્સપ્રેશન અને તાંડવ સ્ટાઇલના પર્ફોર્મન્સે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.
'મૈસા'ને ભારતના પ્રથમ મહિલા લીડ પેન ઇન્ડિયા સિનેમેટિક વેન્ચર તરીકે રજૂ કરવામાં આવી રહી છે. જબરદસ્ત એક્શનની સાથે પિતા-પુત્રીના અનોખા અને મજબૂત સંબંધ પર આધારિત આ ફિલ્મ એક અલગ પ્રકારનો સિનેમેટિક અનુભવ આપવાનો પ્રયાસ કરશે. ફિલ્મનું ટીઝર પણ તાજેતરમાં રિલીઝ થયું હતું, જેને દર્શકો અને ફિલ્મી જાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવાયું છે. ફિલ્મની રૉ એનર્જી, ભવ્ય સ્કેલ અને ઇન્ટેન્સ વાતાવરણે ખાસ ચર્ચા જગાવી છે.
ભારતીય સિનેમામાં અત્યાર સુધી મોટા ભાગે માસ એક્શન ડ્રામા ફિલ્મોમાં માતા-પુત્રના સંબંધને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. 'બાહુબલી' અને 'કેજીએફ' જેવી ફિલ્મોમાં પણ આવા સંબંધોની ઝલક જોવા મળી છે. જોકે, 'મૈસા' આ પરંપરાથી અલગ છે. ફિલ્મમાં આદિવાસી વિસ્તારની પૃષ્ઠભૂમિમાં પિતા અને પુત્રી વચ્ચેના ગાઢ સંબંધને રજૂ કરવામાં આવશે.
ફિલ્મના પ્રથમ ગીત 'ઓ મૈસા રે'માં રશ્મિકા મંદાના હાઈ ઇન્ટેન્સિટી ધરાવતા તાંડવ સ્ટાઇલના પર્ફોર્મન્સ સાથે જોવા મળે છે. રૉ એનર્જી, દમદાર હાવભાવ અને શાનદાર કોરિયોગ્રાફીથી સજાયેલા આ ગીતમાં આદિવાસી માહોલની વિશેષ ઝલક જોવા મળે છે. ગીતનું સંગીત જેક્સ બિજોયે તૈયાર કર્યું છે. દમદાર બીટ્સ અને આદિવાસી સંગીતના અનોખા મિશ્રણને કારણે ગીતને ખાસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અનફોર્મ્યુલા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી 'મૈસા'નું નિર્દેશન રવીન્દ્ર પુલ્લે કરી રહ્યા છે. આ ફિલ્મ એક ઇમોશનલ એક્શન થ્રિલર છે, જેની વાર્તા આદિવાસી વિસ્તારોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં ભવ્ય વિઝ્યુઅલ્સ, રોમાંચક વાર્તા અને રશ્મિકા મંદાનાનું દમદાર પર્ફોર્મન્સ જોવા મળશે. આ ફિલ્મ ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.