કેન્દ્ર સરકારના મોટા નિર્ણયો: દેશમાં 850 ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનશે, ઊર્જા સંગ્રહ માટે રૂ.14,500 કરોડ મંજૂર

યૌન શોષણ અને બળાત્કારના કેસોના ઝડપી નિકાલ માટે નવી અદાલતોની મંજૂરી; ડેટા કલેક્શન સિસ્ટમના આધુનિકીકરણ માટે રૂ.4,371 કરોડની યોજના પણ મંજૂર

કેન્દ્ર સરકારના મોટા નિર્ણયો: દેશમાં 850 ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનશે, ઊર્જા સંગ્રહ માટે રૂ.14,500 કરોડ મંજૂર

નવી દિલ્હી તા.4
કેન્દ્ર સરકારે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં દેશના ન્યાયતંત્ર, વીજળી સંગ્રહ અને ડેટા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. બેઠકમાં યૌન શોષણ અને બળાત્કારના કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે દેશભરમાં 850 ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત વીજળી સંગ્રહ કરવાની ક્ષમતા વધારવા માટે 14,500 કરોડ રૂપિયા અને દેશની ડેટા કલેક્શન સિસ્ટમને આધુનિક બનાવવા માટે 4,371 કરોડ રૂપિયાની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ નિર્ણયો અંગે માહિતી આપી હતી.
કેબિનેટનો એક મહત્વપૂર્ણ નિર્ણય 92 ગીગાવોટ-કલાક એટલે કે GWh ક્ષમતા ધરાવતી ગ્રિડ-સ્કેલ એનર્જી સ્ટોરેજ યોજનાને લઈને લેવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ મોટા પાયે વીજળીનો સંગ્રહ કરીને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવાનો છે. યોજનાની કુલ ક્ષમતામાં 30 GWh બેટરી આધારિત એનર્જી સ્ટોરેજ, 60 GWh પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ અને 2 GWh નવી સોલર ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વ્યવસ્થાથી સૌર ઊર્જા સહિતના નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોનો વધુ અસરકારક ઉપયોગ થઈ શકશે. દિવસ દરમિયાન સોલર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વધારાની વીજળીનો સંગ્રહ કરીને રાત્રે અથવા વીજળીની વધુ માંગ હોય તેવા સમયે તેનો ઉપયોગ કરી શકાશે. સાથે જ વીજળીના ટ્રાન્સમિશન નેટવર્કની ક્ષમતાનો પણ વધુ સારો ઉપયોગ શક્ય બનશે.
બીજી તરફ, કેબિનેટે ક્રિટિકલ મિનરલ્સ એટલે કે મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગ માટેની યોજનાને પણ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ઓળખાયેલા 24 મહત્વપૂર્ણ ખનિજો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ખાણોમાંથી મેળવવામાં આવતા કાચા ખનિજોને ઉત્પાદન પ્રક્રિયામાં સીધા ઉપયોગ કરી શકાય તેવા સ્વરૂપમાં તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત રિસાયક્લિંગ દ્વારા પ્રાપ્ત થતા ખનિજોનો પણ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલથી મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગ અને ઔદ્યોગિક ઉપયોગને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
કેબિનેટની બેઠકમાં દેશની ડેટા કલેક્શન સિસ્ટમને વધુ આધુનિક અને વિશ્વસનીય બનાવવા માટે 4,371 કરોડ રૂપિયાની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી આંકડા એકત્રિત કરવાની અને તેમની ચકાસણી કરવાની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવશે. સર્વેક્ષણની પદ્ધતિઓને વધુ અસરકારક બનાવવાની સાથે આંકડા એકત્રિત કરવામાં થતી ભૂલો ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીઓમાં ડેટા કલેક્શન સંબંધિત અભ્યાસક્રમો શરૂ કરવા અને આંકડાઓનું નિયમિત સંગ્રહ તથા સમયાંતરે સમીક્ષા કરવાની વ્યવસ્થા વિકસાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડેટા કલેક્શન વ્યવસ્થામાં સુધારાથી સરકારને નીતિઓ ઘડવા માટે વધુ વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ થશે. આમ, કેબિનેટના આ નિર્ણયો દ્વારા એક તરફ ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ઊર્જા સંગ્રહ, મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગ અને સરકારી આંકડાકીય વ્યવસ્થાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.