અગ્નિવીરોને મોટી રાહત: હવે 4 નહીં, 6 વર્ષ સુધી સેનામાં સેવા આપી શકશે

75% અગ્નિવીરોને સંમતિથી બે વર્ષનું વધારાનું સેવા વિસ્તરણ મળશે; 25%ને મેરિટના આધારે કાયમી કરવાની જૂની જોગવાઈ યથાવત્, ત્રણેય સેનાઓમાં 3.18 લાખ અગ્નિવીર કાર્યરત

અગ્નિવીરોને મોટી રાહત: હવે 4 નહીં, 6 વર્ષ સુધી સેનામાં સેવા આપી શકશે

નવી દિલ્હી તા.4
અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતી થયેલા અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. હવે ચાર વર્ષનો પ્રારંભિક સેવા કાર્યકાળ પૂર્ણ થયા બાદ અગ્નિવીરોને વધુ બે વર્ષ સુધી સેનામાં સેવા આપવાની તક મળી શકશે. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ આ સેવા વિસ્તરણ અંગે જાહેરાત કરી છે. નવી વ્યવસ્થા હેઠળ અગાઉ ચાર વર્ષ બાદ સેવામાંથી મુક્ત થનારા 75 ટકા અગ્નિવીરોને તેમની સંમતિથી વધારાના બે વર્ષ નોકરી કરવાની તક મળશે. આ સમયગાળા દરમિયાન તેમને વધારેલો પગાર અને ભથ્થાં પણ આપવામાં આવશે.
અગ્નિપથ યોજનાના મૂળ નિયમ મુજબ, ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ દરેક બેચના મહત્તમ 25 ટકા અગ્નિવીરોને મેરિટના આધારે નિયમિત સેનામાં સામેલ કરવામાં આવે છે, જ્યારે બાકીના 75 ટકાને સેવા પૂર્ણ થયા બાદ બહાર થવું પડે છે. જોકે, નવા ફેરફાર બાદ આ 75 ટકા અગ્નિવીરોને પણ બે વર્ષ વધારાની સેવા કરવાની તક મળશે. છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નિયમિત સેનામાં જોડાવા ઇચ્છુક અગ્નિવીરોએ ફરી પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તમામ અગ્નિવીરોને કાયમી નોકરીની ખાતરી આપવામાં આવી નથી.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અગ્નિપથ યોજનાની પ્રથમ બેચના આશરે 18,300 અગ્નિવીરોનો ચાર વર્ષનો કાર્યકાળ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાનો હતો. અગાઉની વ્યવસ્થા મુજબ નવેમ્બરના મધ્યથી 75 ટકા અગ્નિવીરોને તબક્કાવાર સેવામાંથી મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ થવાની હતી. હવે નવી વ્યવસ્થાથી તેમને વધુ બે વર્ષ સુધી સેનામાં સેવા આપવાની તક મળશે. દરમિયાન, ગયા મહિને ભારતીય વાયુસેનાએ પોતાની પ્રથમ બેચના 2,850 અગ્નિવીરોમાંથી 712ને નિયમિત સેવામાં જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો.
જૂન 2022માં શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનામાં ચાર વર્ષના સમયગાળા માટે અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. નવી જાહેરાતથી યોજનાની મૂળ ચાર વર્ષની પ્રારંભિક સેવા અવધિમાં ફેરફાર થયો નથી, પરંતુ ત્યારબાદની સેવા માટે વધારાનો માર્ગ ખોલવામાં આવ્યો છે. હાલમાં ત્રણેય સેનાઓમાં અંદાજે 3.18 લાખ અગ્નિવીર સેવા આપી રહ્યા છે.
અગ્નિવીર ભરતી માટે સામાન્ય રીતે ઉમેદવારની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી લઈને સંબંધિત ભરતીની સૂચનામાં નક્કી કરાયેલી મહત્તમ વયમર્યાદા સુધી હોવી જરૂરી છે. પદ અને સેનાની શાખા પ્રમાણે 8મું, 10મું અથવા 12મું ધોરણ પાસ હોવાની લાયકાત નક્કી કરવામાં આવે છે. પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને અન્ય જરૂરી તબીબી તપાસનો સમાવેશ થાય છે. ભરતીની નવી વ્યવસ્થા હેઠળ લેખિત પરીક્ષા પહેલાં અને શારીરિક કસોટી ત્યારબાદ લેવાની પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત, સેવા દરમિયાન મેળવેલી સૈન્ય તાલીમ અને કૌશલ્યના આધારે અગ્નિવીરોને સ્કિલ સર્ટિફિકેટ આપવાની જોગવાઈ પણ જણાવવામાં આવી છે.
અગ્નિપથ યોજનામાં કરવામાં આવેલા આ ફેરફારથી ચાર વર્ષ બાદ સેવામાંથી મુક્ત થનારા અગ્નિવીરોને વધુ બે વર્ષનો અનુભવ અને રોજગારની તક મળશે. જોકે, છ વર્ષ બાદ નિયમિત સેનામાં જોડાવા માટે મેરિટ અને કામગીરીના મૂલ્યાંકનના આધારે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.