ઘરે-ઘરે ફરીને ‘પર્યાવરણ રક્ષક સૈનિક’ બનેલા બાળકોએ ગામમાંથી ૧૫ હજારથી વધુ પ્લાસ્ટિકની બોટલનું વૈજ્ઞાનિક રિસાયક્લિંગથી શાળાના બાળકો માટે તૈયાર થશે બેસવાની બેન્ચ

ગ્રામીણ સ્તરે લોકભાગીદારી દ્વારા કેવી રીતે સાર્થક કરી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ : બાળકોએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો કાયમ માટે ત્યાગ કરવા અને રિસાયક્લિંગને જીવનમંત્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી

ઘરે-ઘરે ફરીને ‘પર્યાવરણ રક્ષક સૈનિક’ બનેલા બાળકોએ ગામમાંથી ૧૫ હજારથી વધુ પ્લાસ્ટિકની બોટલનું વૈજ્ઞાનિક રિસાયક્લિંગથી શાળાના બાળકો માટે તૈયાર થશે બેસવાની બેન્ચ

રાજકોટ તા.૪
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ વિરૂધ્ધ જનજાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાનોને ગ્રામીણ સ્તરે લોકભાગીદારી દ્વારા કેવી રીતે સાર્થક કરી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ રાજકોટ તાલુકાની શ્રી ખીજડીયા પ્રાથમિક શાળાના બાળકોએ પૂરૂ પાડ્યું છે. આધુનિક યુગમાં પ્લાસ્ટિક પ્રદૂષણ એ પર્યાવરણ માટે મોટો પડકાર બન્યું છે. ત્યારે આગામી પેઢીમાં આ સમસ્યા પ્રત્યે ગંભીરતા કેળવાય તે હેતુથી, રાજ્ય સરકારના સ્વચ્છતા મિશનથી પ્રેરિત થઈને ખીજડીયા શાળાના આચાર્ય રામદેવસિંહ જાડેજા તથા સમપિર્ત શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ બાળકો ‘પર્યાવરણ રક્ષક સૈનિકો‘ બન્યા છે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ગામના ઘરે-ઘરે ફરીને, શેરીઓમાંથી અને જાહેર સ્થળોએથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો હતો. બાળકોએ ટૂંકા સમયમાં ૧૫,૫૦૦થી વધુ પ્લાસ્ટિકની બોટલો એકઠી કરી હતી. આ આખા અભિયાનની સૌથી મોટી વિશેષતા તેનો નવતર અને રચનાત્મક અભિગમ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના ‘વેસ્ટ ટુ વેલ્થ’ સૂત્રને અનુસરતાં શાળા દ્વારા એકત્રિત થયેલી પ્લાસ્ટિકની બોટલોને ફેંકી દેવાને બદલે અથવા તેનો બિનજરૂરી નાશ કરવાને બદલે, વૈજ્ઞાનિક પદ્ધતિથી રિસાયકલ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે બેસવાની બેન્ચ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધે તે માટે સૌથી વધુ બોટલો એકત્રિત કરનાર બાળકને ‘પર્યાવરણ મિત્ર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.આ સાથે જ બાળકોએ ખીજડીયા ગામને સંપૂર્ણ પ્લાસ્ટિકમુક્ત બનાવવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ કાયમ માટે અટકાવવા અને રિસાયક્લિંગને જીવનમંત્ર બનાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. પર્યાવરણ જતન અને સ્વચ્છતા મિશનની દિશામાં શ્રી ખીજડીયા પ્રાથમિક શાળાના આ નાનકડા ‘પર્યાવરણ રક્ષકો’એ કંડારેલી આ કેડી ગ્રામીણ વિસ્તારો અને શૈક્ષણિક સંસ્થાને નવી દિશા બતાવી રહી છે.