ગુજરાત સરકાર મહત્વનું પગલુ ભરવાની તૈયારીમાં જમીન-મહેસુલના ૧૬ કાયદાના સ્થાને નવો એક જ કાયદો આવશે

ગુજરાત સરકાર મહત્વનું પગલુ ભરવાની તૈયારીમાં જમીન-મહેસુલના ૧૬ કાયદાના સ્થાને નવો એક જ કાયદો આવશે

(બ્યુરો)           ગાંધીનગર, તા.૮
મહેસુલી કાયદાને સરળ બનાવવાના પ્રયાસોમાં રાજ્ય સરકાર વધુ એક મહત્વનું કદમ ઉઠાવવાની તૈયારીમાં છે. મહેસુલ સંબંધી પ્રવર્તમાન વધુ કાયદાઓના સ્થાને નવો ગુજરાત જમીન વહિવટ કાયદો લાગૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.  મહેસુલી ક્ષેત્રમાં વિવાદો રોકવા તથા કાયદા સરળ બનાવવાની ભલામણો સુચવવા રાજ્ય સરકારે કમીટીનું ગઠન કર્યું હતું તેના દ્વારા બે દિવસની મેરેથોન બેઠક યોજીને સમગ્ર કાનૂની માળખા પર મંથન કરવામાં આવ્યું હતું. કમીટીએ એવું તારણ દર્શાવ્યું હતું કે જમીન તથા મહેસુલ સંબંધી અનેકવિધ કાયદા-નિયમોને કારણે સમગ્ર પ્રક્રિયા ઝંઝટભરી છે અને પરિણામે વારંવાર વિવાદો થતાં રહે છે. એકાદ ડઝનથી વધુ જોગવાઇઓને કારણે કાયદો સરળતાથી લાગૂ થઇ શકતો નથી અને કાનૂની વિવાદો વધી જાય છે. આ સંજોગોમાં પ્રવર્તમાન કાયદાની ૧૬ જોગવાઇઓને એક સૂત્રિત એકઠી કરીને નવો સીંગલ કાયદો ઘડવાની જરૂર છે.
રાજ્ય સરકારના માહિતગાર સૂત્રોએ કહ્યું કે નવા સૂચિત કાયદામાં જમીન રેકર્ડ, મહેસુલી વહિવટ અને તેને સંલગ્ન કાનૂની પ્રક્રિયાને આવરી લેવામાં આવશે. વહીવટી સરળતાની સાથોસાથ કાર્યક્ષમતા પણ વધી જશે. રાજ્ય સરકારે ભૂતકાળમાં ૨૦૧૨માં પણ સમાન કવાયત હાથ ધરી હતી. પરંતુ પ્રક્રિયા આગળ ધપી શકી નહતી અને વર્તમાન કાયદાને ચાલુ રાખવામાં આવ્યા હતા.