રાજયસભાની ૧૧ બેઠકો પર આજે સવારથી મતદાનનો પ્રારંભ : સાંજે પાંચ વાગ્યે મતગણતરી

રાજયસભાની ૧૧ બેઠકો પર આજે સવારથી મતદાનનો પ્રારંભ : સાંજે પાંચ વાગ્યે મતગણતરી

(એજન્સી)       ચંદીગઢ, તા.૧૬: 
રાજ્યસભાની ખાલી પડેલી ૧૧ બેઠકો માટે આજે સવારથી જ બિહાર, હરિયાણા અને ઓડિશામાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કુલ ૩૭ બેઠકોમાંથી ૨૬ બેઠકો પર તો ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, પરંતુ અસલી જંગ બાકીની ૧૧ બેઠકો માટે ખેલાઈ રહ્યો છે. આજે સવારથી જ ધારાસભ્યો મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. આ વખતે ચૂંટણી માત્ર આંકડાની રમત નથી, પરંતુ રાજકીય વ્યૂહરચનાની કસોટી છે. ભાજપ પોતાની ચતુરાઈથી વિપક્ષી છાવણીમાં ગાબડું પાડશે કે કેમ ? તેના પર સૌની નજર ટકેલી છે.
આજે સવારે ૯ વાગ્યે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું. મતદાન સાંજે ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે, અને મતગણતરી સાંજે ૫ાંચ વાગ્યે શરૂ થશે. આજે સાંજ સુધીમાં ૧૦ રાજ્યોની ૩૭ રાજ્યસભા બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવશે. આમાંથી, સાત રાજ્યોની ૨૬ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ છે, જ્યાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. હરિયાણા, બિહાર અને ઓડિશામાં ૧૧ બેઠકો માટે મતદાન ચાલુ છે.
આ ત્રણ રાજ્યોમાં કુલ ૧૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. હાલમાં, INDIA ગઠબંધન ૩૭માંથી ૨૫ બેઠકો ધરાવે છે, જ્યારે NDA ૧૨ બેઠકો ધરાવે છે. ચૂંટણી પછી ચિત્ર બદલાઈ શકે છે. NDAને ૮ બેઠકોનો ફાયદો થઈ શકે છે.