દીવ ટાપુ પર પ્રથમ વખત ભવ્ય ‘વર્લ્ડ સિંધિ મેળા’નું આયોજન કરાયું

વિશ્વભરના સિંધીઓ એક મંચ પર એકત્રિત થયા..

દીવ ટાપુ પર પ્રથમ વખત ભવ્ય ‘વર્લ્ડ સિંધિ મેળા’નું આયોજન કરાયું

જૂનાગઢ તા. ર૭
દીવના ઐતિહાસિક અને રમણીય ટાપુ પર પ્રથમ વખત ‘વર્લ્ડ સિંધિ મેળો ‘દુનિયા જે સિંધિયુન જાે મેળો દરિયા તે’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૦ થી ૨૩ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન હોટેલ ગેટવે બાય તાજ, દીવ ખાતે યોજાયેલા આ ચાર દિવસીય કાર્યક્રમમાં વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં સિંધીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેળો સિંધિ સંસ્કૃતિ, પરંપરા, એકતા અને ભાઈચારાનું અનોખું પ્રતીક બની રહ્યો હતો.
આ ભવ્ય કાર્યક્રમનું આયોજન  સિંધિ સમાજ ઉના દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો કોન્સેપ્ટ અને ડિઝાઇન મુંબઈના જાણીતા ગાયક, ઇતિહાસકાર અને સિંધિ સંસ્કૃતિના જાણકાર શ્રી પ્રેમ ભારતીય (Singer & Historian, Mumbai) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની જવાબદારી અને સંચાલન દીવના લોકેશ કારિયા દ્વારા સંભાળવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના આયોજનમાં વિવિધ મહાનુભાવો, મહેમાનો અને તમામ ટીમો વચ્ચે સંકલન કરવાની મહત્વપૂર્ણ જવાબદારી જૈનિલ જેઠવાણી દ્વારા સફળતાપૂર્વક નિભાવવામાં આવી હતી.
આ મેળામાં રાજસ્થાન વિધાનસભાના માનનીય અધ્યક્ષ  વાસુદેવ દેવનાનીજી, લોકસભાના સાંસદ શંકર લાલવાણીજી, દીવના કલેક્ટર રાહુલ બોરાજી, ડેપ્યુટી કલેક્ટર આશિષ મિશ્રાજી તથા પ્રિન્સિપાલ નિતિન ગજવાણીજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવ્ય આયોજનમાં શ્રી સિંધિ સમાજ ઉનાના આગેવાનો  ભાખચંદ સુખવાની (કાળુભાઈ), જૂનાગઢ, ઈશ્વર યુ. જેઠવાણી, લોકેશ કારિયા અને ભાવિક ઠક્કરનો વિશેષ ફાળો રહ્યો હતો. ભાખચંદ સુખવાની (કાળુભાઈ), જૂનાગઢને સિંધિ સમાજની વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કરેલી અમૂલ્ય સેવા, સમાજ પ્રત્યેના સમર્પણ અને યોગદાન બદલ આ કાર્યક્રમ દરમિયાન વિશેષ રીતે ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું સન્માન સમગ્ર સિંધિ સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહ્યું હતું.
જલગાંવથી પૂર્વ વિધાન પરિષદ સભ્ય (EX-MLC) ડૉ.ગુરમુખ જગવાણી, પુણેથી શ્રી પીતાંબર (પીટર) દલવાણી તથા દુબઈથી સતીશ ચાંદવાણીનું પણ વિશેષ માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત થયો હતો.આ સમગ્ર આયોજનમાં દીવના લોકેશ કારિયાનો વિશેષ અને અમૂલ્ય સહયોગ રહ્યો હતો. તેમના સતત પ્રયાસો, આયોજન અને વ્યવસ્થાપનના કારણે આ કાર્યક્રમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી.
મેળા દરમિયાન સિંધિ સંસ્કૃતિ, લોકસંગીત, પરંપરાગત ભોજન, ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા સિંધિયતની ઝલક રજૂ કરવામાં આવી હતી. દેશ-વિદેશમાંથી આવેલા સિંધિ પરિવારોએ એકબીજા સાથે મુલાકાત કરી, પોતાની સંસ્કૃતિ અને વારસાને માણ્યો અને નવી પેઢીને સિંધિ પરંપરાઓ સાથે જાેડવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરના સિંધીઓને એક મંચ પર લાવવાનો, સિંધિ ભાષા, સંસ્કૃતિ અને વારસાનું જતન કરવાનો તથા સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો.
દીવની સુંદર પ્રકૃતિ, દરિયાકિનારો અને હોટેલ ગેટવે બાય તાજની સુંદર મહેમાનગતિએ આ મેળામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. દેશ-વિદેશથી આવેલા તમામ મહેમાનોએ દીવની મુલાકાતનો ભરપૂર આનંદ માણ્યો હતો અને આ આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી.
‘વર્લ્ડ સિંધિ મેળો’ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ વિશ્વભરના સિંધીઓને એક પરિવાર તરીકે જાેડતો સંસ્કૃતિ, એકતા અને સિંધિયતનો ભવ્ય ઉત્સવ બની રહ્યો હતો. દીવના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલો આ મેળો ભવિષ્યમાં પણ આવી જ રીતે વિશ્વભરના સિંધીઓને એકત્રિત કરવાની નવી પરંપરાની શરૂઆત બની રહેશે.