જૂનાગઢનાં મદદનીશ ચેરીટી કમિશ્નરે રૂા. 3 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ : ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ

સુરતના એક અરજદારે ટ્રસ્ટને બક્ષીશ રૂપે મળેલી મિલ્કતની નોંધ કરવા અરજી કરતા રૂપિયા માંગતા ભ્રષ્ટાચાર બહાર આવ્યો 

જૂનાગઢનાં મદદનીશ ચેરીટી કમિશ્નરે રૂા. 3 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ : ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશ

જૂનાગઢ તા.3
જુનાગઢ મદદનીશ ચેરીટી કમિશ્નર મહેતા અને તેના અંગત કર્મચારીઓએ એક અરજદાર પાસેથી માત્ર ટ્રસ્ટ રજિસ્ટરમાં નોંધ પાડવાના રૂા.3 લાખની રકમની માંગણી કરી હોવાની  થયેલી ફરિયાદમાં ઉંચ્ચ કક્ષાએથી તપાસના આદેશો છૂટતા ચેરીટી તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.
આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે જુનાગઢ મદદનીશ ચેરીટી કમિશ્નર કચેરીમાં એક અરજદાર ટ્રસ્ટે પોતાના વકીલ મારફત ટ્રસ્ટે સુરતમાં ખરીદેલ એક મિલકતની ટ્રસ્ટ રજીસ્ટરમાં નોંધ કરાવવા માટે અરજી કરી હતી. પણ જુનાગઢ ચેરીટી કચેરીના અધિકારી અને તેના બોર્ડ કર્મચારી અને આઉટ ર્સોસિંગ મહિલા કર્મચારી કોઈને કોઈ ગુંચ ઉભી કરીને આ નોંધ પાડવામાં અવરોધ ઉભો કરતા હતા.એટલું જ નહિ પણ અધિકારીના અંગત ગણાતા રાજકોટના એક વકીલ મારફતે ત્રણ લાખનો વહીવટ માંગતાહતા.અરજદાર દ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવતી ત્યારે મદદનીશ ચેરીટી કમિશનર મહેતા ‘મારે તપાસ કરાવી પડશે’ તેવું કહીને હેરાન કરતા હતા.
વાત એવી હતી કે અરજદાર ટ્રસ્ટને સુરતના એક ટ્રસ્ટની મિલકત બક્ષીશમાં મળી હતી.જેની તમામ વહીવટી મંજુરીની પ્રક્રિયા સુરતનાં સંયુક્ત ચેરીટી કમિશ્નરે કલમ-૩૬ હેઠળ કરીને મંજૂરી આપી દીધી હતી અને તેના આધારે મિલકત અરજદાર ટ્રસ્ટના નામે ચડી પણ ગઈ હતી. બક્ષિશ લેનાર ટ્રસ્ટ જુનાગઢ ખાતે નોંધાયેલું હોય અને ટ્રસ્ટ રજીસ્ટરમાં તેની નોંધ કરાવવાની હોય અરજદાર ટ્રસ્ટે તે માટે જુનાગઢ કચેરીમાં ઘણા સમય પહેલા અરજી કરી હતી. પણ જુનાગઢ કચેરીના અધિકારી પોતાના અંગત આઉટ ર્સોસિંગ મહિલા કર્મચારી અલ્પા પુરોહિત અને બોર્ડ ક્લાર્ક દર્શન દ્વારા ઘોંચ પરોણા કરાવીને ટલ્લે ચડાવતા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ચેરીટીમાં સીધી રીતે પૈસા લેવામાં આવતા નથી પણ અન્ય મારફત પૈસાની ગોઠવણ કરવામાં આવતી હોવાની સીસ્ટમ ચાલે છે. આ કેસમાં પણ પહેલા વકીલના માણસ દ્વારા અરજદાર ટ્રસ્ટના ટ્રસ્ટીને ફોન કરીને કહેણ મોકલવામાં આવતું હતું. બાદમાં અધિકારીઓના વહીવટદાર જેવા એક વકીલે વકીલ બદલવાની શરત મુકીને મહેતા સાહેબ પાસેથી કામ કરાવી આપશે તેવું કહેણ મોકલ્યું હોવાનું કહેવાય છે.બાદમાં આ વકીલે ‘સાહેબ ત્રણ લાખ કહી રહ્યા છે’તેવું જણાવીને કામ કરાવી આપીશ તેવું જણાવ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સંયુક્ત ચેરીટી કચેરીમાં વેંચાણ મંજૂરીમાં વેંચાણ કિંમતના ચાર ટકા લેવાની સીસ્ટમ કામ કરે છે.પણ ટ્રસ્ટ રજીસ્ટરમાં મિલકતની નોંધણી પાંચ-પચીસ હજારમાં થતી હોવાની વાત હોવાને કારણે અરજદાર ટ્રસ્ટે કોઈ કોઠું આપ્યું નહોતું.લાંબા સમયથી અરજી મંજુર ન કરતા અરજદારે આ અંગે કેટલાક આધાર પુરાવાઓ સાથે જુનાગઢ બાર એસોશિએશન,કાયદા સચિવ, સુરતના સંયુક્ત ચેરીટી કમિશ્નર, વિજીલન્સ કમિશનર અને એસીબીસહિતનાને એક વિસ્તૃત લેખિત ફરિયાદ કરતા આ ચોંકાવનારો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ફરિયાદના પગલે એસીબી અને વિજીલન્સ વિભાગે કાયદા વિભાગને પત્ર લખતા કાયદા વિભાગે અમદાવાદ ચેરીટીકમિશ્નરને આ અંગે તપાસ કરીને 20 દિવસમાં અહેવાલ મોકલવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. આ હુકમના પગલે રાજકોટ સહિતની સૌરાષ્ટ્રની તમામ મદદનીશ ચેરીટી કચેરીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.