ખુલ્લી ગટરે સર્જ્યો અકસ્માત! બે બાળકો સાથે સાયકલસવાર ખાબક્યો
(રાકેશ પરડવા દ્વારા )
વેરાવળ, તા.3
વેરાવળમાં વરસાદે ફરી એકવાર નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. વોર્ડ નંબર-2માં વરસાદી પાણી અને ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આજે સૌથી ચિંતાજનક ઘટના ત્યારે બની જ્યારે બે નાના બાળકોને સાથે લઈ સાયકલ પર પસાર થઈ રહેલો એક વ્યક્તિ વરસાદી પાણીમાં ઢંકાઈ ગયેલી ખુલ્લી ગટરમાં અચાનક ખાબકયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. દૃશ્યોમાં સ્પષ્ટ જાેવા મળે છે કે માર્ગ પર ભરાયેલા પાણીના કારણે ખુલ્લી ગટર દેખાતી ન હોવાથી સાયકલસવાર સીધો તેમાં ખાબકે છે. આસપાસના લોકો તાત્કાલિક દોડી આવી ત્રણેયને બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના CCTV દૃશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રભાસ પાટણના ગુલાબનગર, સાઈન કોલોની, પ્યાદા કોલોની સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર જાેખમી બની ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદ પહેલાં ગટર સફાઈ અને પાણીના નિકાલની કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ જ વરસાદમાં વાસ્તવિક સ્થિતિ બહાર આવી જાય છે. ખુલ્લી ગટરો અને પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાના કારણે નિર્દોષ લોકોના જીવ જાેખમમાં મુકાઈ રહ્યા છે.


