કેશોદમાં મેઘતાંડવ : ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નદી-નાળા છલકાયા
(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.3
કેશોદ શહેર અને તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર થોડા કલાકોમાં અંદાજે 9 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં ચારેબાજુ પાણી જ પાણીનું દ્રશ્ય સર્જાયું હતું. નદી નાળા છલકાઈ જતાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો અને બજારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. અનેક સ્થળોએ વાહનો પાણીમાં ફસાઈ જવાના બનાવો સામે આવ્યા હતા. જ્યારે રાહદારીઓને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં નવા નીરની આવક થતાં તે છલકાઈ ગયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચી જતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી.
કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાંથી પાણી બહાર કાઢવા માટે પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. શહેરમાં સતત વરસેલા વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને અનેક સ્થળોએ લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બાદ સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવામાનમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેતાં આગામી કલાકોમાં પણ સાવચેતી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે. કેશોદમાં વરસેલા આ ધોધમાર વરસાદે સમગ્ર શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું હતું અને ચોમાસાની શરૂઆતમાં જ મેઘતાંડવનું દ્રશ્ય સર્જાતા લોકોમાં ભારે ચર્ચા જાગી હતી.


