ગીર સોમનાથમાં સાવર્ત્રિક મેઘમહેર, સુત્રાપાડામાં 7.5 ઈંચ, વેરાવળમાં 6 ઈંચ
જીલ્લા મથક વેરાવળ સોમનાથની બજારો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું, વોર્ડ નં.2માં ખુલ્લી ગટરમાં પિતા બાળકો સાથે ખાબકતા લોકોમાં રોષ
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.3
ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત મેઘમહેરથી એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે, તો બીજી તરફ વેરાવળ-પ્રભાસપાટણ જાેડિયા શહેરમાં પ્રથમ જ વરસાદે પાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. જાેડીયા શહેરની મુખ્ય બજારો, દુ:ખ દરિદ્ર ભંજન મંદિર, સુભાષ રોડ, ગાંધી રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વોર્ડનં.2માં એક પિતા પોતાના બે બાળકોને સાયકલ પર લઈ જતા રસ્તાના ખાડામાં ખાબક્યાની ઘટના પણ સામે આવી છે. અનેક સ્થળોએ ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળતાં લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે પ્રભાસપાટણને જાેડતા માર્ગ પર પણ પાણી ભરાતા યાત્રિકો અને સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
જિલ્લામાં આજે સવારે છ થી સાંજે છ વાગ્યા (બાર કલાકમાં) સુધીમાં સૂત્રાપાડામાં 7.5 ઇંચ, વેરાવળમાં 6 ઇંચ, કોડીનારમાં 3.5 ઈંચ, તાલાલામાં 3 ઇંચ તથા ઉનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરતાં તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. વેરાવળ સોમનાથ જાેડીયા શહેરમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં પ્રથમ વરસાદ બાદ અમરદીપ હોસ્પિટલ રોડ, એસ.ટી. રોડ, જૈન હોસ્પિટલ રોડ, સુભાષ રોડ, એમજી રોડ, હાઉસિંગ સોસાયટી રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર ભરાયેલા પાણીના લીધે વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે સટ્ટાબજારમાં આવેલ તપેશ્વર મંદિરમાં તથા આસપાસ આવેલી જયહિંદ શેરીમાં ગટરોની સફાઈ ન થતાં વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ જાેવા મળ્યો. સ્થાનિક ગૃહિણી મમતાબેન કારિયાએ પણ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો. પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સામે આવતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે. હવે આગામી વરસાદ પહેલાં તંત્ર અસરકારક પગલાં ભરે છે કે નહીં, તેના પર શહેરવાસીઓની નજર છે.



