કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટા સમાચાર ગુજરાતની શાળાઓમાં કાયમી સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતી થશે

શાળા સ્તરે મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચરની કાયમી ભરતી કરવાની જાહેરાત કરી છે

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટા સમાચાર ગુજરાતની શાળાઓમાં કાયમી સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતી થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૩
વર્ષ ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ અમદાવાદને મળ્યા બાદ રાજકીય અને વહીવટી સ્તરે ખેલ ક્ષેત્રમાં ગુણવત્તાવર્ધન માટેનું દબાણ વધ્યું છે. કારણ કે ગુજરાત રાજ્યની મોટા ભાગની સરકારી શાળાઓમાં છેલ્લા ૧૫ વર્ષ પછી સ્પોર્ટ્સ ટીચર (PT ટીચર)ની ઘટ જાેવા મળી રહી છે. આ પરિસ્થિતિએ શિક્ષણ વિભાગને શાળાઓમાં કાયમી રમતગમતના શિક્ષકોની ભરતી શરૂ કરવા પ્રેર્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં શાળા સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે લાંબા સમયથી અટકી રહેલી કાયમી સ્પોર્ટ્સ ટીચરની ભરતી પ્રક્રિયા આખરે આગળ વધવા લાગી છે.
ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રમતગમત શિક્ષકની કાયમી ભરતી છેલ્લા ૧૫ વર્ષથી કરવામાં આવી નથી. ઘણા જિલ્લાઓમાં હાલ તો રમતગમતનું શિક્ષણ visiting instructors, honorarium આધારિત કોચ, અથવા સામાન્ય શિક્ષકો દ્વારા સંભાળવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓમાં રમતગમતની મૂળભૂત તાલીમ, ફિટનેસ કલ્ચર અને સ્પર્ધાત્મક તૈયારી અસરગ્રસ્ત થઈ છે. આ દરમિયાન તાજેતરની જાહેરાત મુજબ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ પણ અમદાવાદમાં યોજાવાની છે, જે ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર રમતગમતની નીતિમાં ધરખમ સુધારા કરી રહી છે અને શાળા સ્તરે મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની દિશામાં આગળ વધી રહી છે અને લાંબા સમયથી અટકી રહેલી કાયમી સ્પોર્ટ્સ ટીચરની ભરતી પ્રક્રિયા આખરે આગળ વધતી જાેવા મળી રહી છે.
આ મામલે તાજેતરમાં કમિશનર ઓફ સ્કૂલ્સની કચેરીએ સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતી માટે રચાયેલી કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલી જગ્યાઓ ભરવી, ભરતીનો માળખો કેવી રીતે બનાવવો, પ્રાથમિક અને માધ્યમિક સ્તરે અલગ પાત્રતા માપદંડ, ભરતીની સમયરેખા, બજેટરી મંજૂરી જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હવે આગામી સમયમાં આ કમિટીએ સરકારને સત્તાવાર ભલામણ પાઠવવાની તૈયારી કરી છે. જેથી આશા વ્યક્ત થઈ રહી છે કે આવતા દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયાને લીલી ઝંડી મળશે.
ગુજરાત આગામી વર્ષોમાં કોમનવેલ્થ ગેમ્સનું મુખ્ય યજમાન બનનાર રાજ્ય છે. ત્યારે અમદાવાદમાં યોજાનાર ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સ માટે ગ્રાઉન્ડ-લવલ ટેલેન્ટ ડેવલપમેન્ટની જરૂર છે, જેના કારણે માત્ર શહેર સ્તરે જ નહીં પરંતુ ગામ અને તાલુકા સ્તરે પણ ગ્રાસરૂટ સ્પોર્ટ્સ ટેલેન્ટ વિકસાવવા માટે શાળા સ્તરની વ્યવસ્થા મજબૂત બનાવવાની સરકાર પર નૈતિક જવાબદારી આવી છે. સ્પોર્ટ્સ શિક્ષકોની ગેરહાજરીને લીધે રાજ્યમાં શાળા સ્તરે તકનીકી તાલીમ ઘટી છે.