અયોધ્યા રામમંદિરમાં દાનચોરી બાદ હવે ભરતી કૌભાંડનો પર્દાફાશ નોકરી મેળવવા 125 કર્મચારીઓએ લાંચની મસમોટી રકમ ચુકવી હતી
(એજન્સી) અયોધ્યા તા.2
દેશ અને દુનિયાની આસ્થાના કેન્દ્ર સમાન અયોધ્યા ખાતેના ભવ્ય રામ મંદિરમાં ભરતીને લઈને એક અત્યંત ચોંકાવનારો કૌભાંડ બહાર આવ્યું છે. રામ મંદિરમાં નોકરી મેળવવા માટે 125 જેટલા કર્મચારીઓએ ભારે લાંચ ચૂકવી હોવાની ગંભીર વિગતો સામે આવતા સમગ્ર તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે રામ મંદિરના દાનમાં ચોરી થવાની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે સત્ય બહાર આવ્યું છે તેણે આસ્થાના પ્રતીક સમાન આ સંસ્થાન પર અનેક સવાલો ઉભા કર્યા છે.પ્રાપ્ત અહેવાલો અનુસાર, રામ મંદિર ટ્રસ્ટમાં વિવિધ હોદ્દાઓ પર નોકરી મેળવવા માટે ઉમેદવારો પાસેથી મોટા પ્રમાણમાં લાંચના નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. આ મામલે તપાસ કરતી ટીમને જાણવા મળ્યું છે કે અંદાજે 125 જેટલા કર્મચારીઓએ નોકરી મેળવવા માટે વચેટિયાઓને લાંચ આપી હતી. જે લોકોએ લાંચ આપી હતી, તેમાંના કેટલાકની દાન પેટીમાંથી ચોરી કરવાની ઘટનામાં પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ભગવાન શ્રી રામના મંદિર જેવી પવિત્ર જગ્યાએ ભરતી પ્રક્રિયામાં કરવામાં આવેલા આ ભ્રષ્ટાચારને કારણે સામાન્ય ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દાન તરીકે આવેલી રકમમાં ચોરી થવાની ઘટનાની તપાસ જ્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી, ત્યારે આ આખું કૌભાંડ એક સાંકળની જેમ એક પછી એક ખુલતું ગયું હતું. હાલમાં વહીવટી તંત્ર દ્વારા આ 125 જેટલા કર્મચારીઓની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે અને જેમના દ્વારા લાંચ લેવામાં આવી હતી તે મુખ્ય સૂત્રધારોને પકડવા માટે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.


