ગીર-સોમનાથ જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ : છેલ્લા 24 કલાક દરમ્યાન જીલ્લામાં અડધાથી પાંચ ઇંચ વરસાદ

સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં 133 મી.મી.(આશરે પાંચ ઇંચ) નોંધાયો

ગીર-સોમનાથ જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ : છેલ્લા 24 કલાક દરમ્યાન જીલ્લામાં અડધાથી પાંચ ઇંચ વરસાદ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.2
સુત્રાપાડામાં વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમ્યાન માત્ર બે કલાકમાં અંદાજે ત્રણ ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સવારે 6 વાગ્યા સુધી જાહેર કરાયેલા આંકડા મુજબ, ગીરગઢડામાં 24 મી.મી., તાલાલામાં 26 મી.મી., વેરાવળમાં 85 મી.મી., કોડીનારમાં 14 મી.મી. અને ઉના તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે. વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. સુત્રાપાડા પંથકમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હતા. આ વરસાદ ખેતી માટે લાભદાયી હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ખેડૂતોના મતે, આ વરસાદથી ખરીફ પાકના વાવેતર માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થઈ છે. જમીનમાં પૂરતો ભેજ મળતાં આગામી દિવસોમાં વાવેતરની કામગીરીને વેગ મળશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જે કૃષિ અને જળસંગ્રહ માટે લાભદાયી બની શકે છે. (તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)