દેશના લાખો કર્મચારીઓનું ભવિષ્ય અને નિવૃત્તિ સાથે જાેડાયેલા નિયમોમાં કેન્દ્ર સરકારે ઐતિહાસીક ફેરફારો કર્યા

એમ્પલોઈઝ પ્રોવિડન્ટ સ્કીમ-2026 જાહેર કરાઈ : તાત્કાલીક અસરથી અમલવારી શરૂ : વર્ષ 1952નો જુનો કાયદો રદ્દ

દેશના લાખો કર્મચારીઓનું ભવિષ્ય અને નિવૃત્તિ સાથે જાેડાયેલા નિયમોમાં કેન્દ્ર સરકારે ઐતિહાસીક ફેરફારો કર્યા

(એજન્સી)    નવી દિલ્હી તા.2
દેશના લાખો કર્મચારીઓના ભવિષ્ય અને નિવૃત્તિ સુરક્ષા સાથે જોડાયેલા નિયમોમાં કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. વર્ષોથી અમલી રહેલી ‘એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) સ્કીમ, 1952’ને હવે સરકારે સત્તાવાર રીતે વિદાય આપી દીધી છે. તેની જગ્યાએ કેન્દ્ર સરકારે નવી ‘એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, 2026’ જાહેર કરી છે, જેનો અમલ દેશભરમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયેલી વિગતો અનુસાર, આ નવો ફેરફાર દેશમાં શ્રમ કાયદાઓના આધુનિકીકરણના ભાગરૂપે અમલી બનાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘કોડ ઓન સોશિયલ સિક્યુરિટી, 2020’ના અમલીકરણના ભાગરૂપે આ નવી યોજના તૈયાર કરી છે. આ યોજના સાથે જ જૂની પદ્ધતિઓ અને નિયમોમાં જરૂરી સુધારા કરી તેને વર્તમાન સમયની જરૂરિયાતો મુજબ વધુ સુલભ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી યોજના અંગેની સત્તાવાર અધિસૂચના 29 જૂન, 2026ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થતાની સાથે જ તે સમગ્ર દેશમાં અમલમાં આવી ગઈ છે. આ પરિવર્તન હેઠળ પીએફના યોગદાન, ઉપાડ અને વ્યવસ્થાપનને લગતી પ્રક્રિયાઓમાં હવે 2026ની નવી જોગવાઈઓ લાગુ પડશે. આ ફેરફારથી પીએફ ખાતાધારકોને મળતા લાભો અને યોજનાના સંચાલનમાં આવનારા સમયમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.