મુંબઈના પ્રદુષણમાં ઘટાડો નહીં થાય તો મ્યુની. કમિશ્નરનો પગાર અટકાવીશું : બોમ્બે હાઈકોર્ટ
(એજન્સી) મુંબઈ તા.૨૪:
બોમ્બે હાઈ કોર્ટે વાયુ પ્રદૂષણ ઘટાડવાના તેના આદેશોની અવગણના બદલ પાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને નોંધ્યું હતું કે તેઓ પણ એ જ અશુદ્ધ હવા શ્વાસમાં લઈ રહ્યા છે અને કોઈ પરગ્રહ પર નથી રહેતા.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ સુમન શ્યામની બેન્ચે મુંબઈ અને નવી મુંબઈ સુધરાઈના કમિશનરોને ચેતવણી આપી હતી કે જો તેઓ કોર્ટના આદેશોનું પાલન કરવામાં તથા વાયુ પ્રદૂષણ સુધારવાનાં પગલાં લેવામાં નિષ્ફળ જશે તો તેમનો પગાર અટકાવી દેવાશે.
વર્ષ ૨૦૨૩માં હાઈકોર્ટે વધતા વાયુ પ્રદૂષણ અંગે આપમેળે નોંધ લીધી હતી અને નાગરિક સંસ્થાઓ અને અન્ય સત્તાવાળાઓને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવા માટે અનેક નિર્દેશો આપ્યા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ એસ. યુ. કામદારે કોર્ટને જણાવ્યું હતું કે સુધરાઈઓએ અનેક બાંધકામ સ્થળોએ કામ બંધ કરવાની નોટિસ જારી કરી છે અને ૬૦૦ સ્થળોએ જ્યાં હવા ગુણવત્તા મોનિટરની જરૂર હતી, તેમાંથી લગભગ ૪૦૦ સ્થળોએ ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યાં છે.


