પોરબંદરમાં બુટલેગર વિરૂધ્ધ પાસાની કાર્યવાહી : વડોદરા જેલ હવાલે
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૭
પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના જથ્થાની હેરફેરમાં સંડોવાયેલા એક આરોપીને જિલ્લા મેજિસ્ટ્રેટના P.A.S.A. (પાસા) હેઠળના હુકમ મુજબ પોરબંદર એલ.સી.બી. દ્વારા અટકાયત કરી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તે મુજબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં અંદાજે ૧.૧૦ લાખની કિંમતનો ૫૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો હતો. આ કેસમાં સહઆરોપીઓ સાથે મળી દારૂની હેરફેર કરનાર મેરામણ ઉર્ફે મેરા કરશનભાઈ મોરી (ઉ.વ. ૨૩), રહે. ઉપલા ગંડીયાવાળા નેસ, તા. રાણાવાવ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરી આરોપી વિરૂધ્ધ P.A.S.A. હેઠળ અટકાયતનો હુકમ જાહેર કર્યો હતો. ત્યારબાદ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાની ટીમે આરોપીની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરીને તેને વડોદરા જેલ ખાતે મોકલી આપ્યો હતો.


