ઉનામાં જાહેર રસ્તા પર ધીંગાણું થયું : છરી અને લાકડીઓ સાથે પાંચ ઝડપાયા, સરકારી હોસ્પિટલ નજીક બબાલથી ચકચાર
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.12
ઉના શહેરમાં જાહેર માર્ગ પર થયેલી મારામારી અને હથિયારો સાથેના બખેડાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ઉના સરકારી હોસ્પિટલ નજીક જાહેરમાં થયેલી હિંસક અથડામણમાં એક મહિલા સહિત પાંચ લોકોને પોલીસે ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓ પાસેથી છરી અને લાકડીઓ પણ કબ્જે કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ તા.10 જૂનના રોજ સાંજે ઉના પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા અને સ્ટાફ શહેરમાં નિયમિત પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન સાંજે ઉના સરકારી હોસ્પિટલ પાસે રેલવે ફાટકથી રામનગર ખારા વિસ્તાર તરફ જતા માર્ગ પર કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી ચાલી રહી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જાહેરમાં લોકોની અવરજવર વચ્ચે ચાલી રહેલા ધીંગાણા ને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝઘડો કરતા લોકોને છૂટા પાડ્યા હતા અને તમામને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન રામજીભાઈ બચુભાઈ પરમાર રે. કેસરિયા હાલ જામનગર પાસેથી લોખંડની છરી મળી આવી હતી, જ્યારે પ્રતાપભાઈ જશુભાઈ વાઘેલા રે. ભાલપરા તા. વેરાવળ અને કિશનભાઈ જશુભાઈ વાઘેલા રે. ભાલપરા પાસેથી લાકડીઓ મળી આવી હતી. પોલીસે તમામ હથિયારો કબ્જે કરી પંચનામું કર્યું હતું. રામજી ભાઈ બચુભાઈ પરમાર, જશુભાઈ જેઠાભાઈ વાઘેલા, પ્રતાપ જશુભાઈ વાઘેલા, કિશન જશુભાઈ વાઘેલા, લાભુબેન કિશન વાઘેલા ની ધરપકડ કરી પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ભાઈ કેશવ ભાઈ બાંભણિયા રે. ઉના ખુદ ફરિયાદી બની. આરોપીઓએ જાહેરમાં બખેડો કરી સુલેહ-શાંતિનો ભંગ કર્યો નો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અમલમાં રહેલા હથિયાર બંધી જાહેરનામાનો પણ ભંગ કર્યો નો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. ઘટનામાં જશુભાઈ વાઘેલા અને લાભુબેન કિશન ભાઈ વાઘેલા રે કેસરિયાને સામાન્ય ઇજાઓ થઈ હતી. જાહેર માર્ગ પર ખુલ્લેઆમ મારામારી અને હથિયારો સાથે બખેડાની ઘટનાએ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા જગાવી છે. આ મામલે ઉના પોલીસે ભારતીય ન્યાય સંહિતા(મ્દ્ગજી)ની કલમ 194(2) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


