યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની અફવા પર મૃણાલ ઠાકુરનો સણસણતો જવાબ, કહ્યું- ‘જેન-ઝી પાસેથી કંઈક શીખો’

બાંદ્રાના કેફેમાં સાથે જોવા મળ્યા બાદ સોશિયલ મીડિયા પર ઉડી હતી ડેટિંગની અફવા, મૃણાલે કહ્યું- સાચા મુદ્દાઓ પર ધ્યાન આપો

યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની અફવા પર મૃણાલ ઠાકુરનો સણસણતો જવાબ, કહ્યું- ‘જેન-ઝી પાસેથી કંઈક શીખો’

મુંબઈ, તા. 11
અભિનેત્રી મૃણાલ ઠાકુર છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઇફને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં તેનું નામ ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ સાથે જોડવામાં આવ્યું હતું. બંનેને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા એક કેફેમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમના ડેટિંગની ચર્ચાએ જોર પકડ્યું હતું.
વાયરલ વીડિયોના આધારે અનેક લોકોએ બંને વચ્ચે સંબંધ હોવાની અટકળો શરૂ કરી હતી. જોકે, મૃણાલ ઠાકુરે હવે આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપીને અફવાઓ પર સ્પષ્ટતા કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ પ્રકારની વાતો ફેલાવનારા લોકોને ટકોર કરતાં કહ્યું કે, પહેલા એ બતાવો કે તેઓ બંને ખરેખર સાથે ક્યાં જોવા મળ્યા હતા. સાથે જ તેણે લોકોને અફવાઓ પાછળ દોડવાને બદલે દેશના વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન આપવા અપીલ કરી હતી.
મૃણાલે પોતાની પ્રતિક્રિયામાં વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે, આટલા શિક્ષિત લોકો પણ આવી અફવાઓને મહત્વ આપે છે તે આશ્ચર્યજનક છે. તેણે ખાસ કરીને ‘જેન-ઝી પાસેથી કંઈક શીખો’ કહીને સોશિયલ મીડિયા પર સાચા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વીડિયો બનાવવાની સલાહ આપી હતી. મૃણાલના આ જવાબ બાદ યશસ્વી સાથેના તેના સંબંધોની અફવાઓ પર હાલ પૂરતો વિરામ લાગી ગયો છે.
મૃણાલ ઠાકુરનું નામ અગાઉ પણ અનેક જાણીતી હસ્તીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. ઓગસ્ટ 2025માં ‘સન ઓફ સરદાર 2’ના પ્રીમિયર દરમિયાન મૃણાલ અને દક્ષિણ ભારતીય અભિનેતા ધનુષ એકબીજા સાથે હૂંફથી મળતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે રિલેશનશિપ હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે, મૃણાલે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ધનુષ સાથે તેનો સંબંધ માત્ર પ્રોફેશનલ છે.
આ ઉપરાંત અભિનેત્રીનું નામ ક્રિકેટર શ્રેયસ અય્યર અને રેપર બાદશાહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જોકે, મૃણાલના જીવનમાં લેખક શરદ ચંદ્ર ત્રિપાઠી સાથેનો સંબંધ માત્ર અફવા નહોતો. બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા છે અને ‘નચ બલિયે 7’માં પણ સાથે જોવા મળ્યા હતા. બંનેએ તે સમયે પોતાના સંબંધ અંગે ખુલ્લેઆમ વાત કરી હતી અને પરિવાર તરફથી સ્વીકાર મળવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ બાદમાં તેમનો સંબંધ તૂટી ગયો હતો.
દરમિયાન, મૃણાલ તાજેતરમાં પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પણ ચર્ચામાં રહી હતી. અભિનેત્રીએ તેની તસવીરો અને અવાજ સાથે છેડછાડ કરીને ડીપફેક વીડિયો બનાવનારા લોકોને કડક ચેતવણી આપી હતી. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેની તસવીરો અથવા અવાજનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ ફેલાવવામાં આવશે તો તે સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં અચકાશે નહીં.