મોહનલાલની ‘ઓપરેશન ગંગા’થી અર્જુન રામપાલનો મલયાલમ સિનેમામાં પ્રવેશ
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાના ૨૦૨૨ના ‘ઓપરેશન ગંગા’ પર આધારિત હોવાનો અહેવાલ; ભાગ્યશ્રી બોરસે અને આદિલ હુસૈન પણ મહત્વની ભૂમિકામાં
મુંબઈ, તા.૮
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની આગામી ફિલ્મનું નામ ‘ઓપરેશન ગંગા’ રાખવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સાથે બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ પહેલીવાર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ફિલ્મમાં મોહનલાલ અને અર્જુન રામપાલ ઉપરાંત ભાગ્યશ્રી બોરસે, આદિલ હુસૈન અને આર. પાર્થિબન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
અહેવાલો અનુસાર ‘ઓપરેશન ગંગા’ની વાર્તા વર્ષ ૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન ગંગા’થી પ્રેરિત હશે. જોકે ફિલ્મની સંપૂર્ણ વાર્તા અને કલાકારોના પાત્રો અંગેની વિસ્તૃત વિગતો હજુ સામે આવી નથી.
ફિલ્મનું દિગ્દર્શન વિષ્ણુ મોહન સંભાળશે, જ્યારે સંગીતની જવાબદારી શાશ્વત સચદેવને સોંપવામાં આવી છે. ફિલ્મના એક્શન સિક્વન્સ માટે દક્ષિણ કોરિયાના સ્ટન્ટ ડાયરેક્ટર ઓહ સે-યેઓંગને જોડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. શાશ્વત સચદેવ અને ઓહ સે-યેઓંગ અગાઉ ‘ધુરંધર’ સાથે પણ જોડાઈ ચૂક્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અર્જુન રામપાલ માટે ‘ઓપરેશન ગંગા’ ખાસ ફિલ્મ બની રહેશે, કારણ કે આ પ્રોજેક્ટ દ્વારા તેઓ મલયાલમ સિનેમામાં ડેબ્યૂ કરશે. આ ઉપરાંત અર્જુન રામપાલ રજનીકાંતની આગામી ફિલ્મ ‘જેલર 2’માં પણ મહેમાન ભૂમિકામાં જોવા મળશે તેવી ચર્ચા છે.
બીજી તરફ મોહનલાલ પણ આગામી સમયમાં અનેક ફિલ્મ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. અહેવાલ મુજબ હાલમાં તેમની એક પછી એક સાત ફિલ્મો વિવિધ તબક્કામાં તૈયાર થઈ રહી છે.


