જૂનાગઢ શહેરમાં કાર્યરત ઉમ્મીદ ક્રેડિટ એન્ડ કન્ઝયુમર કો.ઓપ. સોસાયટીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
વ્યાજમુક્ત અને સહકારીતા આધારીત સમાજ રચનાની દિશામાં કાર્ય કરવા અનુરોધ
જૂનાગઢ તા.૮
જૂનાગઢ શહેરમાં કાર્યરત ઉમ્મીદ ક્રેડિટ એન્ડ કન્ઝયુમર કો.ઓપરેટીવ સોસાયટીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા ચારાપીઠ નજીક આવેલ ઝમઝમ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં ઉમ્મીદ ક્રેડિટ સોસાયટી દ્વારા સમાજના જરૂરીયાતમંદ વંચિત વર્ગ માટે જે આર્થિક સહયોગ પુરો પાડવામાં આવી રહ્યો છે. તેમાં સહકાર, પારદર્શિતા અને વિશ્વાસના ત્રણ વર્ષની પ્રગતિનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. આ સમારોહના પ્રમુખ સ્થાનેથી સંબોધન કરતા અમદાવાદથી ખાસ પધારેલા અલ બરકહ ક્રેડિટ એન્ડ કન્ઝયુમર સોસાયટીના પ્રમુખ વાસીફ હુસેને કહ્યું કે, ઈસ્લામ ધર્મમાં સદકો (સ્વૈચ્છિક દાન) આપવા કરતા સ્વમાન સાથે કોઈ વ્યક્તિને કર્જ આપવાનો વધુ સવાબ છે. તેમણે કહ્યું કે, સહકારીતાનો વિચાર ઈસ્લામ ધર્મમાં પહેલેથી જ છે. હાલમાં ઉમ્મીદ ક્રેડિટ સોસાયટીના ૧૩૪ર સભ્યો છે. અને રપ૦ લોનધારકો છે. આ બાબત જ સહકાર છે. તેમણે કહ્યું કે, ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબે ઈસ્લામના પ્રારંભીક કાળમાં જ સહકારીતાની ભાવનાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જે મિશાકે મદીના નામથી પ્રખ્યાત છે. જેમાં અંસાર અને મુહાજીર વચ્ચે સહકારીતાની ભાવના સ્થાપિત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સહકારીતાના કાર્યો એકબીજાના સહયોગથી કરવા જાેઈએ. ખાલી સુચનોથી કામ નહીં ચાલે. ઉમ્મીદ ક્રેડિટ સોસાયટી વ્યાજમુક્ત ધોરણે કામ કરતી સોસાયટી છે અને ગુજરાતમાં આવી ૧૦ સોસાયટી કાર્યરત છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં રાજયભરમાં આવી વધુ સોસાયટીઓ કાર્યરત થશે.
જયારે ઉમ્મીદ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અલ્તાફભાઈ શેખે કહ્યંુ કે, ર૯-૧૦-ર૦ર૩ના રોજ સોસાયટીની શરૂઆત ૧૦૧ સભ્યોથી થઈ હતી. આજે ૧૩૪ર સભ્યસંખ્યા છે. ર૦ર૩માં પ્રથમ લોન રૂા.૩૦,૦૦૦ની આપવામાં આવી હતી. આજે ઉમ્મીદ દ્વારા રૂા.૩.પ કરોડની રકમ લોન સ્વરૂપે આપવામાં આવી છે. લોકોને લોન અને વ્યાજના ચક્કરમાંથી બહાર કાઢવા અને લોકોને લોનની ટેવ છોડાવવા અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અમે કાર્ય કરી રહ્યા છીએ. અમારૂ મુખ્ય ઉદ્દેશ લોકોને વ્યાજના વિષચક્રની સીસ્ટમમાંથી બહાર લાવવાનું છે. આગામી સમયમાં ઉમ્મીદ સોસાયટીની સભ્યસંખ્યા ૩૦૦૦થી વધુ કરવાનો લક્ષ્યાંક છે. હાલમાં ડેઈલી ડીપોઝીટ ધારકોની સંખ્યા ૭૦૦ છે જેને ૧૪૦૦ કરવાનો લક્ષ્યાંક છે. તેમણે વધુ ને વધુ લોકોને ઉમ્મીદ ક્રેડિટ સોસાયટી સાથે જાેડાવવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરઆને પાકથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના ઉપપ્રમુખ હૈદભાઈ પતાણીએ સંસ્થાનો ટૂંકમાં ચિતાર રજુ કરતા કહ્યું કે, ઉમ્મીદ સોસાયટીના માધ્યમથી લોકોની જરૂરીયાત પુરી થઈ રહી છે અને વેપાર પ્રવૃતિ વધી છે. આ સંસ્થા સમાજ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. જ્યારે ઉમ્મીદ સોસાયટીના શકીલભાઈ મુન્શીએ સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજુ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ગત વર્ષે સંસ્થાની ખોટ રૂા.૩,૮૯,૪૬૧ હતી. જ્યારે આ વર્ષે ખોટ ઘટીને રૂા.૧,૭૭,૦૯૪ થઈ ગઈ છે. જયારે આગામી વર્ષે સંસ્થા નફામાં આવી જશે તેવી અપેક્ષા છે. ઉમ્મીદ સોસાયટી દ્વારા હાલમાં ર,૦૦,૪ર,૦૧રની ગોલ્ડલોન આપવામાં આવી છે. અને ૩.પર કરોડની અન્ય લોન આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, સંસ્થાની ખોટ ઘટી રહી છે. જે રાહતની બાબત છે. દરમ્યાનમાં આમંત્રીત મહેમાનપદે ઉપસ્થિત રહેલા ડો.હારૂનભાઈ વિહળ, અબ્દુલહમીદ તમીમી અને જુમ્મા મસ્જીદના મોલાના અલીમોહમ્મદ પલેજાએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમના અતિથી વિશેષપદે હાજી કાસમભાઈ પતાણી, હાજી કાસમભાઈ કારવાત, વ્હોરા સમાજના અગ્રણી જૈનુદિનભાઈ ભગત, અકીલભાઈ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પાયાના કાર્યકર એન્જીનીયર ઈસ્માઈલભાઈ દલે આભારવિધી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાબીર માણીગર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


