ગુરૂવારે ભાદરવી અમાસ: દામોદરકુંડ ખાતે ભાવિકો ઉમટી પડશે
અમાસનાં દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવા શ્રધ્ધાળુઓ પીપળે પાણી અર્પણ કરી પ્રાર્થના કરશે
જૂનાગઢ તા. ૮
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-ભરમાં આગામી ગુરૂવારે અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને આશીર્વાદ મેળવવા માટે શ્રધ્ધાળુઓ, ભાવિકો દ્વારા પીપળે પાણી રેડી તેમજ વિધી-વિધાન સાથે પિતૃતર્પણ વિધીનાં ભાવ પુર્વક કાર્યક્રમો યોજશે. જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે અને ભાવપુર્વક પિતૃતર્પણ વિધી સહીતનાં કાર્યક્રમો યોજશે. આ ઉપરાંત પ્રાંચી પ્રભાસ તીર્થ ખાતે પણ ભાવિકો ઉમટી પડશે અને પિતૃદેવોને શ્રધ્ધાપુર્વક પ્રાર્થના કરશે.
શ્રાવણ માસ પુર્ણ થવામાં છે. ભોળેનાથને ભજવા માટેના દિવસો દરમ્યાન શિવાલયોમાં પૂજન, અર્ચન સહીતનાં કાર્યક્રમો યોજી અને ભાવિકો શિવજીની આરાધનામાં ભાવવિભોર બન્યા હતા. દરમ્યાન આગામી ગુરૂવારે અમાસનાં દિવસે ભાવિકો, શ્રધ્ધાળુઓ દ્વારા પોતાનાં દિવંગત સ્વજનો, આત્મજનોને યાદ કરી તેમનાં મોક્ષાર્થે તેમજ કલ્યાણ માટે અને તેમના આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત કરવાનાં વિવિધ કાર્યો કરવામાં આવશે. ખાસ કરીને શ્રાવણ માસનાં અંતિમ ત્રણ દિવસો આરાવારાનાં ગણાય છે અમાસનો દિવસ પિતૃતર્પણ વિધી માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. આ દિવસે ખાસ કરીને જૂનાગઢનાં દામોદરકુંડ અને પ્રાચી (પ્રભાસ) તિર્થ ધામ સહીતનાં સ્થળોએ પિતૃતર્પણ વિધીનાં કાર્યક્રમો યોજવામાં આવે છે અને વિધી વિધાન સાથે ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. અમાસના દિવસે મૃતાત્મા, સ્વજનોનાં આત્માનાં કલ્યાણાર્થે અને તેઓને તૃપ્તિ કરવાનાં ભાગરૂપે પીપળે પાણી રેડવામાં આવે છે અને દિવો પ્રગટાવી પિતૃદેવને પ્રાર્થનાં કરવામાં આવે છે. અમાસના દિવસે ધર્મસ્થાનો, મંદિરોમાં આવેલા પીપળાનાં વૃક્ષે પાણી રેડવા માટે ભાવિકો સવારથી જ ઉમટી પડશે. આ સાથે જ જૂનાગઢ શહેરમાં આવેલા દામોદરકુંડ ખાતે આગલા દિવસથી જ ભાવિકોનો પ્રવાહ શરૂ થાય છે અને અમાસનાં દિવસે વહેલી સવારથી જ હજારો ભાવિકો ઉમટી પડશે અને પીપળે પાણી રેડી પિતૃદેવને ભાવપુર્વક વંદના સાથે વિવિધ ધાર્મિક કાર્યોમાં લાભ લેશે. દામોદરકુંડ, પ્રાચીતીર્થ તેમજ સૌરાષ્ટ્રભરમાં અમાસની ભાવભેર ઉજવણી સાથે પિતૃતર્પણ સહીતનાં કાર્યક્રમો ઠેર-ઠેર યોજાશે.


