ટીનમસ ફાટકે સર્કલનાં અભાવે નિર્દોષ જીંદગીઓ મોતના મુખમાં ધકેલાય છે

યુધ્ધનાં ધોરણે સર્કલ બનાવવાની કોંગ્રેસની માંગણી : આંદોલનની ચીમકી

ટીનમસ ફાટકે સર્કલનાં અભાવે નિર્દોષ જીંદગીઓ મોતના મુખમાં ધકેલાય છે

જૂનાગઢ તા.11
વંથલી તાલુકાનાં ટીનમસ ફાટકે સર્કલ ન હોવાને કારણે અવારનવાર અકસમાતનાં બનાવો સતત બની રહયા છે અને નિર્દોષ વ્યકિતઓ તેનો ભોગ બની રહયા છે. દરમ્યાન ગઈકાલે સવારે બનેલા એક ગંભીર અકસ્માતમાં ટીનમસ ફાટક પાસે જ જૂનાગઢનાં દંપતિનું મૃત્યુ થયું છે. અવારનવાર થતાં ગંભીર અકસ્માતનાં બનાવોને લઈને આ ફાટક પાસે સર્કલ બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે. ગઈકાલે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમીત પટેલ અને જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી વી.ટી. સીડાએ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે અને યુધ્ધનાં ધોરણે ટીનમસ ફાટકે સર્કલની વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી છે. જાે આ અંગે ત્વરીત કામગીરી કરવામાં નહી આવે તો 30 દિવસ બાદ ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ આપી છે. જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વહીવટી તંત્રને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં રજુઆત કરતા જણાવેલ છે કે સને 2011નાં જેતપુર - સોમનાથ નેશનલ હાઈવે દ્વારા ફોરલેનનું કામ શરૂ કરવામાં આવેલ હતુ અને સને 2014-15માં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જે તે વખતે વંથલી તાલુકાનાં ટીનમસ ગામનાં ફાટકે સર્કલ રાખેલ ન હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ જીદંગીઓ મોતને ભેટે છે. અત્યાર સુધીમાં 6 થી 7 જેટલા ગંભીર અકસ્માતો સર્જાયા છે અને ગઈકાલે પણ વધુ એક અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં દંપતિનું મૃત્યું થયું છે ત્યારે વધુ અકસ્માત સર્જાય તે પહેલા ટીનમસ ફાટકે સર્કલ બનાવવાની માંગણી વધુ બળવતર બની છે. સર્કલ નહી રાખીને રસ્તાનાં અધિકારો ગેરકાયદેસર રીતે નેશનલ હાઈવે ઓથોરીટીએ છીનવી લીધેલ છે તેવો આક્ષેપ કરતા વધુમાં જણાવેલ છે કે આ અંગે અવારનવાર રજુઆતો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી સર્કલ બનાવવામાં આવેલ નથી અને જેના કારણે અકસ્માતો સર્જાય છે ત્યારે વધુ નિર્દોષ માનવ જીંદગીઓ અકસ્માતનો ભોગ બનીને મોત ન ભેટે તે પહેલા જવાબદાર નેશનલ હાઈવે ઓથોરીટી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે અને વહેલીતકે સર્કલનું નીર્માણ કરવા રજુઆત કરી છે અને જયાં સુધી સર્કલનું નિર્માણ ન થાય ત્યાં સુધી કામચલાઉ દિશા ચિન્હ બતાવતા વ્હાઈટ પટ્ટા, રેડીયમ પટ્ટા લગાવી ટીનમસ ગામનો માર્ગ ખુલ્લો કરવાની માંગણી કરવામાં આવી છે અને અંતમાં જાે યોગ્ય કાર્યવાહી નહી થાય તો 30 દિવસ બાદ ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ આપી છે.