જૂનાગઢ મનપાનું રસ્તા ખોદો અભિયાન કયારે બંધ થશે ?
રસ્તા બનાવ્યા બાદ વિવિધ કામગીરી સબબ નવો બનેલો રસ્તો તોડી નાખવામાં આવે છે : મનપા તંત્ર અને એજન્સીનાં સંકલનનાં અભાવે નગરજનોને ભારે હાલાકી
જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ શહેરમાં મનપા તંત્ર તેમજ જે તે કામગીરી કરતી એજન્સીને જાણે એક જ કામ હોય તે રીતે શહેરનાં રસ્તાઓનું છેલ્લા બે વર્ષ થયા આડેધડ કચુંબર કરવામાં આવી રહયું છે. શહેરમાં રસ્તા ખોદો અભિયાન સતત ચાલી રહયું છે. કોઈપણ વિસ્તાર અથવા તો મુખ્ય માર્ગમાં પહેલા રસ્તા બને અને આ રસ્તા બનાવ્યાનાં ગણતરીનાં દિવસોમાં જ કયાંક ભુગર્ભ ગટરની પાઈપ લાઈન, કયાંક પાણીની પાઈપ લાઈન નાખવાનાં બહાના હેઠળ ફરી રસ્તા તોડવામાં આવે અને નવા રસ્તાને તોડી વિવિધ કામગીરીનાં પાઈપો ઘુસાડયા બાદ જે તે એજન્સી ખોદેલા કામ પર માત્ર ટાચોડો પાથરીને જતા રહે અને જેને કારણે સામાન્ય જનતાને અવર જવર માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. જૂનાગઢ શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિનું સર્જન વારંવાર થતું રહયું છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગિરીરાજ રોડ પર થોડા સમય પહેલા રસ્તાનાં ખોદકામની સમસ્યા ઉદભવેલી હતી. છેલ્લા પાંચ દિવસ થયા આઝાદ ચોકથી કાળવા ચોકવાળા એટલે કે એમજી રોડ ઉપર પાણીની પાઈપ લાઈન કે અન્ય કોઈ કામગીરીને લઈને આ રસ્તાને ખોદી નાખવામાં આવેલ છે. કામગીરી પૂર્ણ થયા બાદ જાે કે થીગડા મારવામાં આવે છે. પરંતુ નવાનકોર રસ્તા જેવું તો કામ ન જ થાય. થીગડા એ થીગડા જ કહેવાય. છેક કાળવા ચોક સુધી આ કામગીરી અંતર્ગત રસ્તો ખોદવાનું ચાલુ છે. આ ઉપરાંત જવાહર રોડ પર પણ રસ્તો બનાવવાની કામગીરીને લઈને ખોદકામ ચાલી રહયું છે. આ ઉપરાંત શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને દિવસ દરમ્યાન સતત ધુળની ડમરીઓ ઉડે છે અને જેને લઈને પસાર થતા લોકો, રહેવાસીઓ વગેરેને પણ ભારે તકલીફ પડી રહી છે. રસ્તા ખોદકામનું કામ અટકવાનું નામ લેતું નથી. અને લોકોને આ બાબતે વ્યાપક ફરીયાદો રહેલી છે. આ દરમ્યાન જાેષીપરાનાં શાંતેશ્વર વિસ્તારમાં ગેરંટી પીરીયડવાળો રોડ તોડી નાખવામાં આવ્યો છે. અને જેને લઈને કોન્ટ્રાકટરને ભારે મોટો ફાયદો કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહયો છે.
| જૂનાગઢમાં છે કોઈ સારો રોડ ! મનપાને ખોદવો છે જૂનાગઢ તા. ૧૯ : જૂનાગઢ કોર્પોરેશનની રસ્તા ખોદવાની કામગીરીને લઈને હવે લોકો કટાક્ષમાં એવી ચર્ચા કરી રહયા છે કે, જાે કોઈ સારો રોડ હોય તો બતાવજાે કોર્પોરેશન ખોદવા માટે શોધી રહયું છે. |
જૂનાગઢ મનપાનાં વિપક્ષી નેતા લલીત પણસારાનાં વોર્ડમાં આવતા જાેષીપરાનાં શાંતેશ્વર વિસ્તારમાં તંત્રની બેદરકારી સ્પષ્ટ જાેવા મળી રહી છે. જે રોડનો ગેરંટી પીરીયડ બાકી છે તેવા મુખ્ય માર્ગને કોઈપણ આગોતરા આયોજન વગર એક સાઈડથી બે ફુટ જેટલો ખોદી નાખવામાં આવ્યો હતો. રોડ ખોદી નાખ્યા બાદ મનપાનાં એન્જીનીયરો અને કોન્ટ્રાકટરો જાણે આ બાબત ભુલી ગયા હોય તેમ લાગે છે. અને છેલ્લા ૧પ દિવસથી ખોદેલો રોડ એમને એમ પડયો હતો જાે કે હવે કામ ચાલુ થયો છે. શાંતેશ્વરનો આ રોડ રૂા. ૩ કરોડનાં માતબર ખર્ચે તૈયાર થયો હતો અને તેની ગેરંટી ચાલુ હતી. અને જાે ગેરંટી પીરીયડમાં રોડ તુટે તો કોન્ટ્રાકટરે ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે. પરંતુ મનપાએ જ રોડ ખોદાવી નાખતા આર્થિક ભારણ હવે સરકારી તિજાેરી પર આવશે. આમ મનપા તંત્ર યેનકેન પ્રકારે એજન્સીઓને ફાયદો કરવાની કામગીરી પણ કરતું હોવાનો આક્ષેપ અને ફરીયાદો પણ ઉઠી છે. રસ્તા ખોદકામની આ કામગીરીને લઈને શહેરની મોટાભાગની જનતા કયાંકને કયાંક હાલાકીનો સામનો કરી રહી છે. બીજી તરફ જૂનાગઢ મનપાનાં સત્તાધિશો દ્વારા ગત વર્ષે રસ્તા બાબતે સ્પષ્ટ જાહેરાત અને નિવેદન કર્યુ હતું કે ચોમાસુ પુરૂ થયા બાદ રસ્તાઓને નવા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પરંતુ હજુ સુધી રસ્તા બનાવવાનાં ઠેકાણા નથી.
દરમ્યાન આગામી ચોમાસુ નજીક આવી રહયું છે. જુન-જુલાઈમાં ચોમાસાનો સમય શરૂ થતો હોય છે ત્યારે હવે ગણતરીનાં દોઢ થી બે માસ જેવો સમય ચોમાસા આડે રહયો છે ત્યારે મનપા તંત્ર શહેરમાં રસ્તાઓનું નવનિર્માણ કરી શકશે ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.


