જૂનાગઢમાં 7 બુટલેગરો, અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ : રૂા.6.82 લાખનો દંડ ફટકારાયો
જૂનાગઢ તા.11
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનામાં અવારનવાર સંડોવાયેલા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી આવા ગુનેગારોનાં રહેણાંક તથા તેમના કબ્જા ભોગવટાની જગ્યાએ તપાસ કરી ગેરકાયદેસર વિજ જાેડાણ લીધેલ હોય તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલીયાનાં માર્ગદર્શન હેઠળ શહેરના સી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રોહીબિશનના બુટલેગરો તથા અસામાજિક તત્વોના રહેણાંક મકાનોએ પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર વિજ ચોરી અંગે ખાસ ઝુંબેશ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી અને ગેરકાયદેસર વિજ જાેડાણ ધરાવનારા સામે કાર્યવાહી કરી આકરો દંડ ફટકારવામાં આવેલ છે. આ અંગે વધુમાં વળતી વિગત અનુસાર ડીવાયએસપી હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન મુજબ સી ડીવીઝન પીઆઈ પી. પી. ઝાની ટીમે પીજીવીસીએલના સ્ટાફ સાથે સંકલન સાધી વિજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન (1) નાથા જાદવભાઈ શામળા (ગાંધીગ્રામ) રૂા.92,000, (2) વિંઝા દુદાભાઈ ભુતીયા (લીરબાઈપરા) રૂા.70,000 (3) આશીષ મુંઝભાઈ વાંદા (ગાંધીગ્રામ) રૂા. 1.40 લાખ, (4) બશીર ઈબ્રાહીમભાઈ ફાલા (પાંચીપટ) રૂા. 80,000, (5) અયાન સાજીદભાઈ ફાલા (ઘાંચીપટ) રૂા.1.50 લાખ, (6) કાસમ તૈયબભાઈ ફાલા (પાંચીપટ) રૂા. 80,000, (7) હાજીસુલેમાન કાસમ ફાલા (ઘાંચીપટ) રૂા. 70,000નો દંડ કરવામાં આવ્યો હતો. આ શખ્સો પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર વિજ જોડાણ દ્વારા પાવર ચોરી કરતા ઝડપાયા હતા. આ તમામના ગેરકાયદેસર જોડાણો દૂર કરી છેલ્લા એક મહિનાના પાવર ચોરી પેટે કુલ રૂા. 6.82 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


