બગવદર પોલીસે મોઢવાડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી

બગવદર પોલીસે મોઢવાડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૦
દારૂના દુષણ સામે બગવદર પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો દોર ચાલુ રાખતા મોઢવાડા ગામની નાખડી સીમ વિસ્તારમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઉપર છાપો મારી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે. પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુનાઓનાં માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જી. ચુડાસમા તથા સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે નાખડી સીમ વિસ્તારમાં આવેલા ઢોરનો ચારો ભરવાના જુના મકાન પર રેઇડ કરવામાં આવી હતી. જ્યાં પિતા-પુત્ર અર્જુન રાણાભાઈ મોઢવાડીયા અને રાણાભાઈ ભીમાભાઈ મોઢવાડીયા દ્વારા દેશી દારૂ બનાવવાનો આથો રાખી ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. પોલીસનાં દરોડામાં દરમ્યાન મકાનમાંથી ૨૦૦-૨૦૦ લીટરના પ્લાસ્ટિકના બેરલ નંગ-૦૩ તથા ૧૦૦-૧૦૦ લીટરના પ્લાસ્ટિકના કેરબા નંગ-૦૩ મળી આવ્યા હતા, જેમાંથી દેશી દારૂ બનાવવાના આશરે કુલ ૯૦૦ લીટર આથો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂા.૨૪,૩૨૦/- કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. રેઇડ દરમ્યાન આરોપીઓ સ્થળ પર હાજર ન મળતા તેઓ ફરાર હોવાનું સામે આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફરાર પુત્ર અને પિતા  અર્જુન રાણાભાઇ મોઢવાડીયા તથા રાણા ભીમાભાઈ મોઢવાડીયા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫, ૬૫એફ અને ૮૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.