ભરૂચ-બનાસકાંઠામાં અકસ્માતની ત્રણ ઘટનાઓમાં ૮ વ્યક્તિઓના કરૂણ મોત

ભરૂચ-બનાસકાંઠામાં અકસ્માતની ત્રણ ઘટનાઓમાં ૮ વ્યક્તિઓના કરૂણ મોત

બનાસકાંઠા / ભરૂચ તા.૨૦
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં કુલ આઠ લોકોનાં મોત થયાં છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-ડીસા હાઈવે પર રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતાં એક દંપતી સહિત ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે અમીરગઢ નજીક બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતાં GRD જવાન સહિત બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ, ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે અકસ્માત થતાં વડોદરા DCBમાં ફરજ બજાવતા PSI સહિત ત્રણનાં મોત થયાં હતાં. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા પાટિયા નજીક અજાણ્યા વાહનની ટક્કરથી રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ, ડીસા તાલુકાના સોડિયા ગામનો પરિવાર પાલનપુર ખાતે સારવાર કરાવીને રિક્ષામાં ડીસા તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન બાદરપુરા પાટિયા નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સોડિયા ગામના પતિ-પત્ની અને સોતમલા ગામના રિક્ષાચાલકનું મોત થયું હતું. 
બનાસકાંઠા જિલ્લામાં બીજી દુર્ઘટના અમીરગઢ નજીક પવન સિમેન્ટ ફેક્ટરી પાસે મોડી રાત્રે બની હતી. અહીં બાઈક પર સવાર બે યુવાનોને અજાણ્યા વાહને ટક્કર મારતાં બંનેનાં મોત થયાં હતાં. મૃતકોમાં એક GRD જવાન અને તેનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, કાર વડોદરાથી ભરૂચ તરફ આવી રહી હતી, ત્યારે આઈસર સાથે ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં હતાં. વડોદરા DCB બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI યશ પટેલ, મહેસાણાના ૨૭ વર્ષીય પાર્થ પટેલ અને ૨૮ વર્ષીય અસફાક મોનીનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.