રૂા. ૧.૮ર કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બિલખાનો શખ્સ ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૭
પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમન અન્વયે સંરક્ષિત જીવોના અવશેષોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરી કાયદાનો ભંગ કરનાર મેહુલ ઉર્ફે અપ્પુ પ્રવિણ ભાઈ સોલંકી (ઉવ.૨૩ રહે. રેલ્વે ફાટક પાસે, બિલખા, તા. જિ. જૂનાગઢ)ને “વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વજન-૧ કીલો ૮૨૯ ગ્રામ કિ.રૂા.૧,૮૨,૯૦, ૦૦૦/-(એક કરોડ બ્યાસી લાખ નેવુ હજાર)ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવા અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોરબંદરને સોંપી દેવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાએ પોરબંદર જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારને ધ્યાને લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી અનુસુચિમાં જણાવવામાં આવેલ સંરક્ષિત જીવોના અવશેષોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુનાઓના માર્ગદર્શન તેમજ સુચનાનાં આધારે પોરબંદર એસ.ઓ. જી.ના પોલીસ ઇન્સપેક્ટર વાય. જી. માથુકીયા, પો.સ.ઈ. આર. એ. ઝાલા દ્વારા દરીયાઇ વિસ્તાર ધરાવતા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલીંગ ફરી ઉપરોકત મુજબની બાતમી હકીકતો મેળવવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. રવિન્દ્ર એસ.ચાંઉ પો. હેડ કોન્સ. મોહિત આર. ગોરાણીયા તથા અરજનભાઈ એ. ઓડેદરાને સંયુકત બાતમી મળેલ કે, વ્હેલ માછલીની ઉલ્ટી(એબરગ્રીસ) ની હેરફેર બાબતે આધારભુત માહિતીનાં આધારે. પોરબંદર નરસંગ ટેકરી હાઇવે રોડ પરથી બાતમી મુજબના ઇસમ મેહુલ ઉર્ફે અપ્પુપ્રવિણભાઈ સોલંકી, ઉવ.૨૩ રહે. રેલ્વે ફાટક પાસે, બિલખા, તા.જિ. જૂનાગઢવાળા ને કુલ વજન ૧.૮૨૯ કિ.ગ્રા. કિ.રૂા.૧.૮૨.૯૦,૦૦૦/-ની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે પકડી પાડી કબ્જે કરવામાં આવેલ છે. મજકુર ઇસમની પુછપરછ કરતા પોતાને આ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) બીલખા જૂનાગઢ ખાતેથી વેચાણ અર્થે પોરબંદર લઇ આવેલ હોય અને વ્હેલ માછલીની ઉલ્ટી બહુ મુલ્યવાન હોય અને ઉંચી કિંમતવાળી હોવાનું જણાવેલ હોય અને તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતો હોવાની હકીકત જણાય આવેલ છે. મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) અને મજકુર ઇસમ વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોરબંદરને સોંપી દેવામાં આવેલ છે.


