ચૌટા ચેક પોસ્ટ પરથી ખોટી નંબર પ્લેટ વાળો ટ્રક ઝડપાયો
ગોસા(ઘેડ) તા.૧૦
પોરબંદર જિલ્લાના ચૌટા ચેક પોસ્ટ ખાતે તા.૮-૨-૨૦૨૬ના રોજ રાત્રે ૨૩:૦૦ કલાકથી ૦૦:૩૦ કલાક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ખોટી નંબર પ્લેટ લગાવી ચલાવવામાં આવતો અશોક લેલલેન્ડ કંપનીનો સિમેન્ટ ભરેલો બન્કર ટ્રક ઝડપી પાડતા ભારે ચકચાર મચી ગઈ હતી. કુતિયાણાના પીઆઈ એમ.ડી. વાળાની સુચના મુજબ કુતિયાણા પીએસઆઈ બી.આર.પટેલ તથા તેમની ટીમ દ્વારા ચેકિંગ કામગીરી ચાલી રહી હતી, તે દરમ્યાન પોરબંદર તરફથી આવતા એક ટ્રકને સાઇડમાં ઉભો રાખવા ઈશારો કરતા ટ્રક રોડ સાઇડમાં ઉભો રાખવામાં આવ્યો હતો. ટ્રકની તપાસ કરતાં તે અશોક લેલલેન્ડ કંપનીનો લુઝ સિમેન્ટ ભરેલો બન્કર ટ્રક હોવાનું જણાયું હતું. ટ્રક પર લગાવેલ રજીસ્ટ્રેશન નંબર GJ-03-BY-7745 અંગે ડ્રાઈવર પાસે કોઈ કાગળો ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે VOC એપ્લિકેશનમાં નંબર ચેક કરતા કોઈ માહિતી ન મળી આવતા ચેસીસ નંબર MB1 NECHD8PPEY1192 ઈ-ગુજકોપમાં વેરિફાઈ કરતાં ટ્રકનો ખરેખરનો રજીસ્ટ્રેશન નંબર GJ-03-BZ-7667 હોવાનું બહાર આવ્યું હતું. પંચોની હાજરીમાં પૂછપરછ કરતાં ટ્રક ડ્રાઈવર હાજાભાઈ જેઠાભાઈ ગોઢાણીયા રહે. ખાભોદર ગામ એ કબૂલાત કરી હતી કે, ટ્રકના માલિક મીલનભાઈ રમેશભાઈ દુધાત, રહે. ગુંદાળા ચોકડી, ગોંડલ દ્વારા ફાઈનાન્સ કંપનીના હપ્તા ન ભરવા પડે તે હેતુથી ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. પોલીસે ટ્રક પર લાગેલી આગળ-પાછળની બે ખોટી નંબર પ્લેટ કબ્જે કરી તેમજ અંદાજિત રૂા.૧૫ લાખની કિંમત ધરાવતા ટ્રકને તપાસ અર્થે જપ્ત કર્યો હતો.


