બોલિવૂડમાં અન્ય ફિલ્મો બનાવવી અશક્ય: અનુરાગ કશ્યપનો ખુલાસો, ઈન્ડસ્ટ્રીની સ્થિતિને ગણાવી ત્રાસદી
મુંબઈ છોડીને બેંગલુરુ વસેલા ડિરેક્ટરે બોલિવૂડને ગણાવ્યું ‘ટોક્સિક’; કહ્યું- ‘હવે માત્ર ભક્તિ અને દેશભક્તિની ફિલ્મો જ બને છે, બાળકોની ફિલ્મો બનવાનું સાવ બંધ થઈ ગયું’
મુંબઈ, તા.૨૨
જાણીતા ફિલ્મમેકર અને ડિરેક્ટર અનુરાગ કશ્યપે બોલિવૂડની વર્તમાન સ્થિતિ પર મોટું નિવેદન આપીને ઈન્ડસ્ટ્રીના સંકટ સામે સવાલો ઉઠાવ્યા છે. લાંબા સમયથી મુખ્ય પ્રવાહની એટલે કે મેઈનસ્ટ્રીમ ફિલ્મોથી દૂર રહેલા અનુરાગ કશ્યપે હવે મુંબઈ છોડીને બેંગલુરુમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડસ્ટ્રીના વાતાવરણને અત્યંત ઝેરી એટલે કે ‘ટોક્સિક’ ગણાવતાં તેમણે બોલિવૂડથી એક અંતર જાળવી લીધું છે.
જોકે ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા છતાં ફિલ્મમેકર સમય-સમય પર સિનેમા જગતની વાસ્તવિકતા અંગે પોતાના વિચારો નિખાલસપણે રજૂ કરતા રહે છે. અનુરાગ કશ્યપે પ્રોડ્યુસર તરીકે મોટી ફિલ્મો બનાવવાનું બંધ કરીને માત્ર એવી નાની અને ઓછા બજેટની ફિલ્મોને જ સપોર્ટ કરવાનું શરૂ કર્યું છે, જેના વિષયવસ્તુમાં તેમને પૂર્ણ વિશ્વાસ હોય.
આ સંદર્ભમાં તેમણે કૌશલ ઓઝા દ્વારા દિગ્દર્શિત બાળકોની ફિલ્મ ‘લિટિલ થોમસ’ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તે પહેલાં જ અનુરાગ કશ્યપે હિન્દી સિનેમાની હાલત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
પોતાની ફિલ્મની રિલીઝ પૂર્વે વાત કરતાં ડિરેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આજકાલ બોલિવૂડમાં અન્ય કોઈ પણ પ્રકારના નવા અથવા અલગ પ્રોજેક્ટ પર કામ કરવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. તેમના મતે હાલમાં ઈન્ડસ્ટ્રીમાં માત્ર બે જ પ્રકારની ફિલ્મોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે—એક ભક્તિ અને બીજી દેશભક્તિ.
બોલિવૂડની આ પરિસ્થિતિને તેમણે એક મોટી ‘દુર્ઘટના’ એટલે કે ત્રાસદી ગણાવી હતી. કશ્યપે જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં હવે અન્ય કોઈ વિષય પર ફિલ્મ બનાવવી એ કોઈ મોટા પડકારથી ઓછું નથી. આ જ કારણોસર મુખ્ય પ્રવાહમાં બાળકો માટેની ફિલ્મો બનવાનું સાવ બંધ થઈ ચૂક્યું છે.
અનુરાગ કશ્યપના શબ્દોમાં કહીએ તો, “મને નથી લાગતું કે ઈન્ડસ્ટ્રીમાં કોઈને પણ ખબર છે કે આજના સમયમાં દર્શકો સમક્ષ શું રજૂ કરવું જોઈએ. બાળકોની ફિલ્મો હોય કે વડીલો માટેની, આજના સમયમાં પોતાના દ્રષ્ટિકોણથી અલગ ફિલ્મ બનાવવી ખૂબ અઘરી છે. હું હમણાં જ એક પ્રોડ્યુસર સાથે વાત કરી રહ્યો હતો અને તેમણે પોતે સ્વીકાર્યું કે તેમને સમજાતું નથી કે હવે શું કરવું જોઈએ.”
તેમણે ઉમેર્યું હતું કે અત્યારે ફક્ત ભક્તિ અને દેશભક્તિના વિષયો પર જ ફિલ્મો ધડાધડ બની રહી છે, જે એક કડવી હકીકત અને ત્રાસદી સમાન છે. આવા માહોલ વચ્ચે તેઓ માને છે કે તેમની આગામી બાળકોની ફિલ્મ ‘લિટિલ થોમસ’ દર્શકો માટે એક તાજગીભરી રાહત બનીને સામે આવશે.


