પોરબંદર એસ.ઓ.જી.એ 618 ગ્રામ ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા

શીતલપાર્ક વિસ્તારમાં દરોડા દરમ્યાન રૂા.1.62 લાખનો મુદ્દામાલ જપ્ત

પોરબંદર એસ.ઓ.જી.એ 618 ગ્રામ ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.22
મારીઝુઆના/હસીસના (ચરસ) જથ્થા સાથે સુરૂચી સ્કુલની સામે શીતલપાર્ક સોનલ પાનવાળી ગલી ખાતેથી બે ઇસમોને રૂ.1.62 લાખના મુદ્દામાલ સાથે પોરબંદર એસ.ઓ.જીએ ઝડપી પાડી ઉદ્યોગનગર પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજાના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોના વેપાર અને સેવન સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પોરબંદર એસ.ઓ.જી.એ મહત્વની કાર્યવાહી હાથ ધરી હતી. સુરૂચી સ્કૂલ સામે આવેલા શીતલપાર્ક વિસ્તારમાંથી બે શખ્સોને 618 ગ્રામ મારીઝુઆના/હસીસ (ચરસ)ના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા બાતમીદારો મારફતે માહિતી એકત્રિત કરવામાં આવી રહી હતી. દરમિયાન પો. હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયા, પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ મોઢવાડિયા અને સરમણભાઈ ખુંટીને ચોક્કસ બાતમી મળતા સરકારી પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમ્યાન લક્ષીત હરીશભાઈ સીંધવ ખારવા (ઉ.વ.27), રહે. મોતીનિવાસ, મોટા ચોરા, ખારવાવાડ, પોરબંદર તથા ધનંજય ઉર્ફે ધ્રુવ જગદીશભાઈ મોતવરસ ખારવા (ઉ.વ.21), રહે. શીતલપાર્ક, સુરૂચી સ્કૂલ સામે, પોરબંદર, પોતાના બનેવીના કબ્જા ભોગવટાના મકાનમાં હાજર મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 618 ગ્રામ ચરસના પેકેટ, જેની અંદાજિત કિંમત રૂ.1,54,500 તથા બે મોબાઇલ ફોન કિંમત રૂ.8,000 મળી કુલ રૂ.1,62,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓ સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.