‘દાયરા’ના ટ્રેલર લોન્ચમાં પાપારાઝી પર નારાજ થઈ કરીના કપૂર, વીડિયો થયો વાયરલ
પોઝ માટે વારંવાર આગળ-પાછળ થવાનું કહેતાં કરીનાએ વ્યક્ત કરી નારાજગી; ફિલ્મમાં DCP અજુની કોહલીના પાત્રમાં કરશે બે મહત્વના કેસની તપાસ
મુંબઈ, તા.૨
કરીના કપૂરની આગામી ફિલ્મ ‘દાયરા’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશનની આસપાસ ફરતી આ ફિલ્મમાં કરીના પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે તેની સાથે પૃથ્વીરાજ સુકુમારન મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યા છે. ટ્રેલરમાં બે મહત્વના કેસની તપાસની ઝલક જોવા મળે છે, પરંતુ બંને કેસ એકબીજા સાથે જોડાયેલા છે કે અલગ છે તે અંગે હાલ રહસ્ય જાળવવામાં આવ્યું છે.
ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મ ઉપરાંત કરીના કપૂરનો પાપારાઝી સાથેનો એક વીડિયો પણ ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કરીના ફિલ્મની ટીમ સાથે ફોટોગ્રાફર્સ સામે પોઝ આપતી જોવા મળે છે. આ દરમિયાન પાપારાઝી દ્વારા તેને અલગ-અલગ પોઝ માટે વારંવાર આગળ-પાછળ થવાનું કહેવામાં આવતાં કરીના થોડી નારાજ થઈ હતી.
વીડિયોમાં કરીના કહેતી સંભળાય છે કે, “કભી ઇધર, કભી ઉધર... હીલ્સ પહની હૈ મેને.” આ દરમિયાન થોડી ક્ષણો માટે તેનો મૂડ બદલાયેલો જોવા મળ્યો હતો. જોકે, ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં કરીનાના સ્ટાઇલિશ લૂકે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
‘દાયરા’માં કરીના DCP અજુની કોહલીનું પાત્ર ભજવી રહી છે, જ્યારે પૃથ્વીરાજ સુકુમારન DCP રમન કુમારની ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે વિશ્વપતિ સરકાર, જિતેન્દ્ર જોશી, કંવલજીત સિંહ અને પ્રગતિ મિશ્રા સહિતના કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
ફિલ્મની કહાની સત્ય ઘટનાઓથી પ્રેરિત હોવાનું જણાવાયું છે. વર્ષ ૨૦૧૯માં બનેલી હૈદરાબાદની એક ઘટનામાંથી પણ વાર્તા માટે પ્રેરણા લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, દિગ્દર્શક મેઘના ગુલઝારે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મની સંપૂર્ણ વાર્તા કોઈ એક ઘટના પર આધારિત નથી અને અલગ-અલગ કેસમાંથી પ્રેરણા લઈને તેને તૈયાર કરવામાં આવી છે.
સીમા અગ્રવાલ અને યશ કેશવાનીએ ફિલ્મની વાર્તા લખી છે. ટ્રેલરમાં તપાસની દિશા અંગે પૂરતું રહસ્ય જાળવવામાં આવ્યું છે. પોલીસ વિભાગના કોઈ અધિકારી સામે તપાસ ચાલી રહી છે કે પછી કોઈ ગુનેગારની શોધ થઈ રહી છે તેનો ખુલાસો ફિલ્મમાં થશે. ‘દાયરા’ને ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ કરવાની તૈયારી છે.


