જૂનાગઢ જીલ્લાના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત પરેડ અને ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રની વિવિધ ક્ષેત્રે સરાહનીય કામગીરી રહી છે : આઈજી નિલેશ જાજડીયા
જૂનાગઢ તા.૧૩
જુનાગઢ રેન્જ આઇ.જી. નિલેશ જાંજડિયાએ ગઈકાલે જુનાગઢ જિલ્લાના ર્વાષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પરેડ અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કર્યા બાદ પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જુનાગઢ પોલીસે ઉત્તમ કામગીરી કરી અને ગુનાઓ બનતા અટકાવ્યા છે, અને ગુનાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
દરમ્યાન હેડક્વાર્ટર ખાતે પરેડ બાદ આયોજિત ક્રાઇમ કોન્ફરન્સમાં આઇ.જી. નિલેશ જાજડિયાએ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ગુનાની પરિસ્થિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને પોલીસની સુવિધા બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે નવા પોલીસ સ્ટેશનો અને પોલીસ કર્મીઓ માટે નવા ક્વાર્ટર શરૂ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આંકડાઓ રજૂ કરતા આઇ.જી.એ જણાવ્યું હતું કે, આ વર્ષે પોલીસની મુખ્ય ત્રણ કામગીરીઓ જેવી કે, કાયદો અને વ્યવસ્થા જાળવવી, ગુના અટકાવવા અને ગુના શોધવા તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.
છેલ્લા બે વર્ષમાં પોલીસે અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે. જે અંગે માહિતી આપતા આઇ.જી. નીલેષ જાજડિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ૯ જેટલા ગુજસીટોક હેઠળના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં કુલ ૫૪થી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
આ આરોપીઓ સંગઠિત ટોળકી બનાવી ગુનાઓ આચરતા હતા અને લોકોમાં ભય પેદા કરતા હતા. મોટા બુટલેગર વિરુદ્ધ પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જુનાગઢ પોલીસની કાયદા પરની સારી પકડને કારણે આવા ગુનેગારોને તાત્કાલિક પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
આઇ.જી.એ ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં એસ.પી. સુબોધ ઓડેદરાના નેતૃત્વ હેઠળ થયેલી ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી. તાજેતરમાં જ પકડાયેલા પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડના કેસને તેમણે મોટી સફળતા ગણાવી હતી. આ કેસમાં ૧૦૦૦થી વધુ પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડ્સ કબજે કરવામાં આવ્યા હતા. આ કાર્ડ્સનો સાયબર ક્રાઇમમાં ઉપયોગ થાય તે પહેલા જ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા, જેનાથી સાયબર ગુનાઓ બનતા અટકાવવામાં મોટી મદદ મળી હતી. આ ઉપરાંત પણ વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવામાં તેમજ આરોપીઓને ઝડપી લેવામાં પણ સારી કામગીરી કરી છે.
હાઇબ્રિડ ગાંજાના કેસમાં માત્ર સ્થાનિકોને પકડવાને બદલે પોલીસે ગુનાના મૂળ સુધી જઈ, આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ધરાવતી આખી રાજ્યવ્યાપી ગેંગનો પર્દાફાશ કર્યો, જેમાં ૩ મહિલાઓ સહિત ૧૪ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આમ વિવિધ કામગીરી ખુબ જ સારી રહી છે વધુમાં આઇ.જી.એ જણાવ્યું કે, એસ.પી. સુબોધ ઓડેદરા દ્વારા ૪૦૦થી વધુ પોલીસ કર્મચારીઓની ગ્રેડિંગ પદ્ધતિથી બદલી કરવામાં આવી હતી, જે બાબતે એક પણ ફરિયાદ મારા કે ઉપરી અધિકારીઓ સુધી પહોંચી નથી, જે સરાહનીય છે.


