લે કરો વાત...! જૂનાગઢનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને શહેરનાં સાત સહેલી સમા ફાટકની હવે યાદ આવી....?

પાંચ ટર્મ કરતા વધુ સમય ધારાસભ્ય પદ સંભાળ્યું ત્યારે ફાટક અંગે કોઈ રજુઆત ન થઈ અને હવે ગઈકાલથી જૂનાગઢનાં રેલ્વે ફાટકો દૂર કરવાની સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કર્યો : લોકોમાં ચર્ચા

લે કરો વાત...! જૂનાગઢનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને શહેરનાં સાત સહેલી સમા ફાટકની હવે યાદ આવી....?

જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ શહેરની જનતાને ગઈકાલે એક અનોખુ દ્રશ્ય જાેવા મળ્યું હતું. જૂનાગઢનાં પૂર્વ ધારાસભ્ય મહેનદ્ર મશરૂની અધ્યક્ષતામાં રેલ્વે પ્રશ્નો અંગેની લડત સમિતિનાં નેજા હેઠળ જૂનાગઢ શહેરને આવરી લેતા સાત રેલ્વે ફાટકોને દુર કરવાની માંગણી સાથે સહી ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે અને આ સાથે જ નગરજનોને પણ ફાટકોની આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટેની લડતમાં સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં રેલ્વે ફાટક દુર કરવાનો મુદો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવા નિર્દેશો મળી રહયા છે.
જૂનાગઢ શહેરમાં બે દાયકા ઉપરાંતથી શહેરને આવરી લેતા સાત રેલ્વે ફાટકોને કારણે આ શહેરનાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે અને કરે છે. અનેકવાર રેલ્વે ફાટકની સમસ્યા અંગે જુદા જુદા મંચ ઉપરથી રજુઆતો - ફરીયાદો વ્યકત કરવામાં આવી હતી અને આંદોલનો પણ થયેલા છે. અગાઉ પણ બે-ત્રણ જાતની સમિતિઓએ રેલ્વે ફાટકનાં મુદાને ગાજતો કર્યો હતો પરંતુ સાથે જ શહેરમાં ફાટકની જગ્યાએ ગરનાળા બનાવવા સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. દરમ્યાન છેલ્લા બે વર્ષ થયા સુષુપ્ત અવસ્થામાં ફાટકનો મુદો રહયો છે. જાે કે આ રેલ્વે ફાટકો દિવસ દરમ્યાન ૭ થી ૮ વાર ચાલુ - બંધ થતા હોય તેને કારણે શહેરભરનાં લોકો તેમજ બહારગામથી આવનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ટ્રાફીકની સમસ્યા અત્યંત પીડાજનક રહી છે.

એવા સંજાેગોમાં જૂનાગઢ શહેરમાં જાેષીપરા ફાટકની ગોલાઈમાં ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પુરજાેશથી ચાલી રહી છે. ઉપરાંત જે તે વખતે ગુજરાતની તત્કાલીન સરકાર દ્વારા પણ સમગ્ર ગુજરાતને ફાટકલેસ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમ્યાન ગત વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા ફાટકની સમસ્યા દુર થઈ જશે. આ દરમ્યાન ર૦ર૭ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ બાબતે કેવી કાર્યવાહી થાય તે બાબતે મીટ મંડાયેલી છે. તો બીજી તરફ ધારાસભ્ય તરીકેનાં પાંચ ટર્મ ઉપરાંતનાં કાર્યકાળ દરમ્યાન એકપણ વખત જૂનાગઢ શહેરની રેલ્વે ફાટકની સમસ્યા દુર કરવા બાબતે કયારેય કોઈ જાતની કામગીરી નહી કરનાર પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ એક સમિતિ બનાવી ગઈકાલે સહી ઝુંબેશનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને જાે રેલ્વે ફાટકની જગ્યાએ બ્રીજ નહી બને તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. આ ઉપરાંત ફાટકો બંધ કરીને રેલ્વે સબ સ્ટેશન પ્લાસવા પાસે બનાવવામાં આવે તો ફાટકની સમસ્યાનો હલ થશે તેવી પણ લાગણી વ્યકત કરવામાં આવી રહી છે.
જૂનાગઢ શહેરમાં ગઈકાલથી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ દ્વારા ફાટક દુર કરવાનાં મુદે શરૂ કરાયેલા સહી ઝુંબેશનાં કાર્યક્રમમાં લોકો સહયોગ આપી રહયા છે તેમજ અનેક ચર્ચાઓ પણ કરી રહયા છે.