બાદલપુર ખાતેના ઓઝત -૨ ડેમની મરામત કામગીરી કરાશે : નદીકાંઠાના જૂનાગઢ જીલ્લાના ૩૮ અને પોરબંદરના ૧૧ ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે અપીલ

તા.૩૦ એપ્રિલના રોજ સવારે ૬ કલાકે ઓજત નદીની કુલ વહન ક્ષમતાના ૧૦મા ભાગનું પાણી છોડાશે : કલેકટર  અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં સાવચેતીના ભાગરૂપે રાખવાની થતી જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી

બાદલપુર ખાતેના ઓઝત -૨ ડેમની મરામત કામગીરી કરાશે : નદીકાંઠાના જૂનાગઢ જીલ્લાના ૩૮ અને પોરબંદરના ૧૧ ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે અપીલ

જૂનાગઢ તા.૨૯   
જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતેના ઓજત - ૨ ડેમના ૨૫ પૈકી ૬ દરવાજાની મરામત કામગીરી કરવાની હોવાથી તા.૩૦/૬/૨૦૨૬ના ના રોજ વહેલી સવારે ૬ વાગ્યા પછીથી આ ડેમમાંથી પાણી છોડવામાં આવશે.
જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પાણી છોડવાથી લોકોના જાન માલને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, લોકોની સલામતીને ધ્યાને રાખી ઓજત નદીની વહન ક્ષમતાના ૧૦મા ભાગનું પાણી ધીમા પ્રવાહને અને ઓછી માત્રામાં છોડવામાં આવશે. આ સંદર્ભમાં કાર્યપાલક ઇજનેર એમ.એમ. પાંચાએ  જણાવ્યું હતું કે, ઓજત -૨ ડેમમાંથી આ પાણી છોડવાના લીધે નીચવાસમાં આવતા ડેમ જેવા કે, નાગલપુર ગામ નજીક આવેલ આણંદપુર વીયર, શાપુર નજીક આવેલ શાપુર, વંથલી વીયર અને ટિકર વીયર નજીક ન જવા માટે કે અન્ય કોઈ કામ સબબ ન જવા માટે અપીલ કરવામાં આવે છે. ઉપરાંત અહીં લોકોની સુરક્ષા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે.
મરામત કામગીરી માટે છોડવામાં આવનાર આ પાણીથી જૂનાગઢ જિલ્લાના ૩૮ ગામો ઉપરાંત પોરબંદર જિલ્લાના ૧૧ ગામોને અસર થવાની છે, એટલે કે નદીનું જળસ્તર વધવાનું હોવાથી આ આ ગામડાઓના લોકોને સાવચેતીના ભાગરૂપે નદીની નજીક જવું નહીં, ઢોર કે અન્ય પશુ ચરાવવા માટે નદીના પટમાં જવું નહીં, ઉપરાંત નદીમાં નાહવા કે કપડા ધોવા માટે પણ જવું નહીં. વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોના સરપંચ અને તલાટી મંત્રીને પણ આ બાબતથી  વાકેફ કરવામાં આવ્યા છે, ઉપરાંત અસરગ્રસ્ત ગામમાં ઢોલ પીટીને પણ લોકોને સાવચેત રહેવા માટે જાહેરાત કરવામાં આવી છે.  ઓજત - ૨ ડેમની મરામત કામગીરીને ધ્યાને રાખી ૩૧૮ mcft (મિલિયન ક્યુબિક ફીટ) જેટલો પાણીનો જથ્થો છોડવામાં આવશે.
મહત્વનું છે કે, ઓજત - ૨ ડેમના ૬ દરવાજાના મરામત કામગીરીથી પાણીનો વ્યય અટકશે, ડેમ અને લોકોની સલામતી પણ સુનિશ્ચિત થશે ઉપરાંત અસરકારક રીતે પૂર નિયંત્રણ પણ કરી શકાશે.
પાણી છોડવાના લીધે કોઈપણ અસર ઊભી થાય તો લોકોએ ત્વરિત જૂનાગઢ આપત્તિ વ્યવસ્થાપન ભવનના ફોન ન. ૦૨૮૫-૨૬૩૩૪૪૬/૨૬૩૩૪૪૭,  કાર્યપાલક ઇજનેર, સિંચાઈની કચેરી, જૂનાગઢ ૦૨૮૫-૨૬૩૦૩૨૯, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ કચેરી, જૂનાગઢ, ૦૨૮૫-૨૬૩૧૩૦૧ અને  પોરબંદર જિલ્લાના અસરગ્રસ્ત ગામોના લોકોએ ક્ષાર અંકુશ વિભાગ- પોરબંદરના ફોન નં. ૦૨૮૬-૨૨૨૦૫૦૩ ઉપર સંપર્ક કરવો.