દેશના આર્થિક ભંડોળને સુરક્ષીત રાખવા કેન્દ્ર સરકાર એકશન મોડમાં

બીનજરૂરી ખર્ચાઓ ઘટાડી નાણાની બચત કરવા સરકારી બેંકોને મોદી સરકારનો આદેશ

દેશના આર્થિક ભંડોળને સુરક્ષીત રાખવા કેન્દ્ર સરકાર એકશન મોડમાં

(એજન્સી)    નવી દિલ્હી,તા.19:
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષની સીધી આર્થિક અસર હવે ભારતના સરકારી તંત્ર અને બેંકિગ સેક્ટર પર દેખાવા લાગી છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવો વધ્યા બાદ હવે કેન્દ્ર સરકાર દેશના આર્થિક ભંડોળને સુરક્ષિત કરવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન  મોદી દ્વારા દેશના હિતમાં ઈંધણનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ કર્યા બાદ, નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા સોમવારે તમામ સરકારી બેંકો, વીમા કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ માટે ખર્ચમાં ભારે કાપ મૂકવા માટેનો એક મોટો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, આ સરકારી આદેશ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BoB) અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) સહિતની તમામ સરકારી નાણાકીય સંસ્થાઓ પર તાત્કાલિક અસરથી લાગુ થશે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના કાળની જેમ જ બિનજરૂરી વહીવટી ખર્ચાઓ ઘટાડીને સરકારી નાણાંની બચત કરવાનો છે.
સરકાર દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર, હવેથી તમામ સરકારી બેંકો અને વીમા કંપનીઓની આંતરિક બેઠકો, કામકાજ કે પ્રોજેક્ટ્સની સમીક્ષાઓ માટે વીડિયો કોન્ફરન્સિંગનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. જ્યાં સુધી અધિકારીની રૂબરૂ હાજરી અત્યંત અનિવાર્ય ન હોય ત્યાં સુધી ડિજિટલ માધ્યમથી જ કામ ચલાવવાનું રહેશે. આ ઉપરાંત, સંસ્થાઓના ચેરમેન, મેનેજિગ ડિરેક્ટર (MD) કે સીઈઓ (CEO) સહિતના ટોચના વરિષ્ઠ અધિકારીઓની વિદેશ યાત્રાઓ પર પણ મોટી કાપ મૂકવામાં આવી છે. અધિકારીઓએ નિર્ધારિત મર્યાદા કરતા પણ ઓછા વિદેશ પ્રવાસ કરવાના રહેશે અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં શક્ય હોય ત્યાં સુધી વચ્ર્યુઅલ રીતે જ ભાગ લેવો પડશે.