સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, સિદ્ધિગ્રામ એમ્પ્લોઇઝ યુનિયન (ઇન્ટુક)ના હોદ્દેદારોની બિનહરીફ વરણી
(ભોળા જાદવ દ્વારા)
લોઢવા, તા.ર૦
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા સિઘ્ઘીગ્રામમાં આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ, સિદ્ધિગ્રામ એમ્પ્લોઇઝ યુનિયન (ઇન્ટુક)ના હોદ્દેદારોની વરણી માટે સિદ્ધિગ્રામ નજીક આવેલા શ્રી ખોડિયાર મંદિર ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં યુનિયનના એજન્ડા મુજબ હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી ભરતભાઈ જાદવના માર્ગદર્શન હેઠળ દરેક પદ માટે એક-એક ઉમેદવારી ફોર્મ પ્રાપ્ત થતાં સભાસદો સમક્ષ આ બાબત રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સભાસદોના મત લઈને દરેક ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવાનો બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ રીતે યુનિયનના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ અરશીભાઈ રામ, ઉપપ્રમુખ તરીકે કિશોરસિંહ જાદવ, ધનસુખભાઈ જેઠવા, જનરલ સેક્રેટરી તરીકે ગોવિંદભાઈ ચાવડા, સેક્રેટરી તરીકે ચેતન બી. ઠાકર, જાેઇન્ટ સેક્રેટરી તરીકે રાજેન્દ્રસિંહ રાઠોડ, ખજાનચી તરીકે રણજીતસિંહ રાઠોડની નિમણુંક કરવામાં આવી છે.
સભા દરમ્યાન કામદારો અને કર્મચારીઓના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સંબંધિત મંચ ઉપર અસરકારક રજૂઆતો કરવા, કર્મચારીઓના હિતોને પ્રાધાન્ય આપવા તેમજ યુનિયનના સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી સમયમાં ઊભા થનારા ઔદ્યોગિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે મધુર સંબંધો જાળવવા તથા ઔદ્યોગિક સુલેહ-શાંતિ જળવાઈ રહે તેવું તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવા બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. યુનિયનના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી થતાં ઉપસ્થિત સભ્યોમાં આનંદની લાગણી જાેવા મળી હતી. નવનિયુક્ત હોદ્દેદારો કર્મચારીઓના પ્રશ્નોને યોગ્ય મંચ ઉપર રજૂ કરી તેમના હિતમાં અસરકારક કામગીરી કરશે તેવી આશા સભાસદો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


