જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સૂચન પેટીમાંથી છલકાયા દર્દી નારાયણના આશીર્વાદ : ૯૯% સકારાત્મક અભિપ્રાયોથી ગળગળો થયો સ્ટાફ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સૂચન પેટીમાંથી છલકાયા દર્દી નારાયણના આશીર્વાદ : ૯૯% સકારાત્મક અભિપ્રાયોથી ગળગળો થયો સ્ટાફ

જૂનાગઢ, તા.ર૦
તબીબી અધિક્ષક ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર સરકારી હોસ્પિટલો વિશે સામાન્ય રીતે લોકોના મનમાં અનેક ફરિયાદો અને નકારાત્મક છબી હોય છે, પરંતુ જુનાગઢ સિવિલ હોસ્પિટલે આ પરંપરાગત માન્યતાને ધરખમ રીતે બદલી નાખી છે. હોસ્પિટલના ખૂણે-ખૂણે મુકાયેલી સૂચન પેટીઓ જ્યારે ખોલવામાં આવી, ત્યારે તેમાંથી ફરિયાદો નહીં પણ દર્દીઓ અને તેમના પરિવારોના હૃદયપૂર્વકના આશીર્વાદ અને સ્નેહની સરવાણી વહી નીકળી હતી.
સેવા અને સમર્પણનો અનોખો આંકડો : ૯૯% સકારાત્મક પ્રતિસાદ
જુનાગઢ સિવિલ હોસ્પિટલના દરેક ઓપીડી (OPD), વોર્ડ, આઈસીયું (ICU) અને ઓપરેશન થિયેટર (OT) વિભાગમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે લોક કરેલી સૂચન પેટીઓ રાખવામાં આવે છે. હોસ્પિટલની નિયત કમિટી દ્વારા દર મહિનાની ૧૦ તારીખે આ પેટીઓ ખોલવામાં આવે છે. ચાલુ ઓક્ટોબર માસમાં જ્યારે હોસ્પિટલની કુલ ૫૬ સૂચન પેટીઓ ખોલવામાં આવી, ત્યારે હોસ્પિટલ તંત્ર પણ આશ્ચર્યચકિત અને ભાવુક થઈ ગયું હતું. આ પેટીઓમાંથી કુલ ૬,૬૯૭ ચિઠ્ઠીઓ (સૂચનો) નીકળી હતી. સૌથી ગર્વની વાત એ છે કે, તેમાંથી ૬,૬૫૯ સૂચનો (૯૯%) સંપૂર્ણપણે સકારાત્મક હતા! આ ચિઠ્ઠીઓમાં દર્દીઓએ હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે પોતાનો આભાર પ્રગટ કર્યો હતો.
કોના કામની થઈ પ્રશંસા ?
ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ અને તેમના સગાઓએ હોસ્પિટલની ઉત્કૃષ્ટ વ્યવસ્થાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. જેમાં મુખ્યત્વે.
• હોસ્પિટલની અદભુત સ્વચ્છતા
• ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની રાત-દિવસની જાેખમી સેવા
• પટાવાળા, સફાઈ કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડનો માનવતાભર્યો નમ્ર વ્યવહાર
• હોસ્પિટલમાં મળતી મફત અને આધુનિક સારવાર
• દર્દીઓને પીરસવામાં આવતું પૌષ્ટિક અને ઘર જેવું ભોજન
બાળકો અને માતાઓના વિભાગમાંથી વરસ્યો સૌથી વધુ પ્રેમ
આ આશીર્વાદરૂપી ચિઠ્ઠીઓમાં સૌથી વધુ ધસારો પીડીયાટ્રીક્સ (બાળ રોગ) વિભાગની ઓપીડી અને રસીકરણ વિભાગમાંથી જાેવા મળ્યો હતો, જ્યાંથી કુલ ૬૫૩ સૂચનો મળ્યા હતા. વહાલસોયા બાળકો સાજા થતાં માતા-પિતાએ હરખના આંસુ સાથે સ્ટાફનો આભાર માન્યો હતો. આ ઉપરાંત, મેડિસિન વિભાગની ઓપીડીમાંથી ૪૮૩ અને જ્યાં નવજાત શિશુઓ કિલકિલાટ કરે છે તે લેબર રૂમ (ડિલિવરી રૂમ)માંથી ૩૫૪ સકારાત્મક અભિપ્રાયો મળ્યા હતા.
નાની ભૂલો સુધારવા તંત્ર તત્પર
કુલ ચિઠ્ઠીઓમાંથી માત્ર ૩૮ સૂચનો એવા હતા જેમાં દર્દીઓના સગા દ્વારા કોઈક જગ્યાએ સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. હોસ્પિટલ તંત્રએ આ આલોચનાને પણ માથે ચડાવીને, દર્દીઓની સુવિધા માટે તાત્કાલિક અસરથી તે દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે.
સિવિલ હોસ્પિટલ પરિવારે માન્યો આભાર
દર્દીઓના આ અદભુત પ્રેમ અને વિશ્વાસથી ગળગળા થયેલા જુનાગઢ સિવિલ હોસ્પિટલ પરિવારે તમામ દર્દીઓ તથા તેમના સગાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે, "દર્દીઓના આ આશીર્વાદ જ અમારી સાચી મૂડી છે અને આનાથી અમને ભવિષ્યમાં વધુ સારી અને સેવાભાવિ કામગીરી કરવાની નવી ઊર્જા મળી છે." ખરેખર, જુનાગઢ સિવિલ હોસ્પિટલે સાબિત કરી દીધું છે કે જાે સરકારી તંત્ર સેવાના ભાવથી કામ કરે, તો હોસ્પિટલએ માત્ર દવાખાનું નથી રહેતું, પણ ‘માનવતાનું મંદિર‘ બની જાય છે.