રાજકોટ જિલ્લા નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની ક્લેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લા નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની ક્લેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

રાજકોટ તા.૧૯
ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આયોજિત રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં વિવિધ વિભાગ દ્વારા નાર્કોટિકસ ડ્રગ્સ વિરોધી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે પ્રચાર પ્રસારની કામગીરી સહીત શાળા કોલેજ આસપાસ પોલીસ તેમજ આરોગ્ય વિભાગના સંકલનમાં તંબાકુ વેચાણકર્તા વિરૂધ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરવા ડો. ઓમ પ્રકાશે સૂચના આપી હતી. વધુમાં કલેકટરએ યુવાનોમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ કેળવવા પર ખાસ ભાર મૂકી શાળા કોલેજોમાં જાગૃતિ અભિયાન, વ્યસન મુક્તિ માટે કેન્દ્રમાં બંધાણીઓ આવવા પ્રેરાય, બાળ સુધાર ગૃહમાં આવતા બાળકોનું ડ્રગ્સ વિરોધી કાઉન્સેલિંગ કરવા સહિતની કામગીરી કરવા સંબંધિત વિભાગને જણાવ્યું હતું. 
રાજકોટ ગ્રામ્ય, જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ઝુંબેશ અન્વયે એક માસમાં કુલ રૂા.૧,૬૧,૭૫૦ની કિંમતનો ૩.૨૩ કિલોગ્રામ ગાંજો ઝડપી પાડી ત્રણ આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ અન્વયે કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડીકલ સ્ટોર ખાતે ચેકિંગ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.