જૂનાગઢમાં વિના વિલંબે રસ્તાનું નિર્માણ કરવા આમ જનતાની માંગણી
જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ મનપાનાં ભાજપના શાસકોએ કાર્યભર સંભાળ્યને લગભગ દોઢ વર્ષ જેવો સમય પુરો થયો છે. ૧૮ માસનાં શાસનમાં નગરજનોને પાયાની પ્રાથમિક સુવિધાઓ હજુ પુરી પાડી શકયા નથી તેમજ રસ્તાનાં પ્રશ્ને જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. ત્યારે જૂનાગઢને સારા રસ્તાની સુવિધા કયારે મળશે? તેવો સવાલ ફરી એકવાર સર્વત્ર ચર્ચાઈ રહયો છે.
નાણાંકીય વર્ષ ર૦ર૬-ર૭નું બજેટ રજુ કરાયેલ છે. આ બજેટમાં અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે તેમજ રૂા.૬ કરોડનું વધારાનું ભારણ પણ નાખવામાં આવેલ તેની સામે વિપક્ષે પોતાનો વિરોધ દર્શાવેલ છે. જનરલ બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષે પ્રજાકીય પ્રશ્ને તેમજ લોકોને રસ્તા, ગટર, પાણીની સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટેની પણ રજુઆતો કરવામાં આવેલી. વિપક્ષનો મુખ્ય મુદો એ હતો કે જુના કામો થયા ન હોય અને નવા કામોની જાહેરાત સામે આક્રોશ વ્યકત કરેલ છે. ગુજરાત સરકારે અંદાજપત્રીય બજેટ આ વર્ષનું રજુ કરેલ જેમાં વિકાસલક્ષી કામગીરી માટે દરેક વિસ્તારને આવરી લીધેલ છે. અને નાણાની ફાળવણી પણ કરી છે.
જૂનાગઢ મનપાનું બજેટ રજુ કરવામાં આવે છે તેમાં ખાસ તો નવા કામોની ફાળવણી અને આંકડાની માયાજાળ તો દર્શાવી દીધી છે. શાસક પક્ષ ભાજપ દ્વારા બજેટ રજુ કરી અને મંજુર પણ કરવામાં આવેલ છે. પરંતુ હવે જ મુખ્ય પ્રશ્ન ઉભો થાય છે કે, બજેટમાં જે આકારણી અને આયોજનો કરવામાં આવ્યા છે તે પુરા કયારે કરી શકશે તેજ મોટો સવાલ છે. ખેર હાલ તો જૂનાગઢ શહેરનાં રસ્તા સુવિધાજનક બનાવવાની વાત છે. જાે કે શાસક પક્ષનાં પદાધિકારીઓએ ફરી એકવાર ચોમાસા પહેલા રસ્તા બનાવી દેશે તેમ જણાવેલ છે.
જૂનાગઢ શહેરમાં રસ્તાની વિવિધ કામગીરી સબબ આડેધડ ખોદકામને કારણે મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખુબજ ખરાબ રહેલી છે. બેદરકારીના બોલતા પુરાવા સમા રસ્તાના કામોમાં રસ્તા બનાવવા, તોડવા, થીગડા મારવા જેવા બનાવોનંુ વારંવાર પુનરાવર્તન થયું છે. પ્રજા ત્રાસી ગઈ છે. કોર્પોરેશન દ્વારા ગત ચોમાસાના સમયે જણાવેલ કે ચોમાસુ પુરૂ થશે પછી રસ્તાઓ બનાવી આપવામાં આવશે પરંતુ હજુ સુધી રસ્તાઓના કામો પુરા થયા નથી. જાે કોઈ મહાનુભાવો આવવાના હોય ત્યારે ખરાબ ન દેખાય એટલા માટે રાતોરાત રસ્તાઓને થીગડા મારવાની કે ડામર પાથરવાની કામગીરી થતી હોય છે. દરમ્યાન શિવરાત્રી મેળાની કામગીરી માટે કોર્પોરેશન રોકાયેલું હતું હવે જયારે મેળો પણ સંપન્ન થઈ ગયો છે ત્યારે શહેરનાં રસ્તાની કામગીરી ઝડપભેર પુરી કરવામાં આવે તેવી લાગણી આમ જનતાની રહેલી છે. શિયાળો હવે પુરો થવામાં છે અને ઉનાળાનું આગમન થશે. ઉનાળાના ચાર માસનો સમયગાળો પુરતો છે. આ સમયગાળાનો સદ્ઉપયોગ કરી ચોમાસુ શરૂ થાય તે પહેલા જૂનાગઢ શહેરનાં રસ્તાને સુવિધાજનક બનાવવાની માંગણી બુલંદ બની છે. મનપાનાં શાસકો આડા અવળી દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવાના બદલે નગરજનોની રસ્તા સંબંધી મુશ્કેલીઓ અને ફરીયાદોને વહેલી તકે દુર કરે અને સારા રસ્તાનું નિર્માણ કરે તેવી લાગણી આમ જનતાની છે.


