જલારામ ભક્તિધામ મંદિર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૧
જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ ના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ઝાંઝરડા ચોકડી પાસે આવેલ, જલારામ ભક્તિ ધામ મંદિર ખાતે જલારામ ભક્તિ ધામ મંદિરના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતી પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ભારતના વિખ્યાત શૂરવીર, સ્વરાજ્યના સ્થાપક અને પ્રજાહિતકારી શાસક હતા. તેમણે હંમેશા સ્ત્રી સન્માન, ધર્મસહિષ્ણુતા અને પ્રજાની સુરક્ષા જેવા ઉચ્ચ આદર્શોને જીવનમાં ઉતાર્યા હતા. આ અવસરે ગિરનારી ગ્રુપના દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, ચિરાગભાઈ કોરડે, સેજપાલભાઈ, દોશીભાઈ, નિલેશભાઈ સહિતના સભ્યઓ દ્વારા બાળકોને પ્રેરણાદાયક વક્તવ્ય, પ્રસાદ વિતરણ અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે શિવાજી મહારાજના જીવનચરિત્રનો પરિચય આપવામાં આવ્યો હતો. આવા મહાન વિભૂતિના જીવનમાંથી યુવા પેઢી પ્રેરણા લે અને રાષ્ટ્રસેવાના માર્ગે આગળ વધે એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે તેમ યાદીના અંતે જણાવેલ હતું.


