મહાશિવરાત્રી મેળો - ૨૦૨૬ : ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભવનાથ મંદિર સુધીનો ૩.૧ કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે

મેળામાં શિવ આરાધના, ઝગમગાટ અને આધ્યાત્મિક માહોલનો ભાવિકોને થશે અનોખો અનુભવ : ભક્તિ અને સુશોભનનો સંગમ: મહાશિવરાત્રી મેળામાં ૧૧ સેલ્ફી પોઈન્ટ્સ અને ૬ ભવ્ય પ્રવેશદ્વારો સુશોભિત કરાશે - જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય આયોજન

મહાશિવરાત્રી મેળો - ૨૦૨૬ : ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભવનાથ મંદિર  સુધીનો ૩.૧ કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે

જૂનાગઢ તા. ૯ 
દેશભરમાં પ્રખ્યાત જૂનાગઢનો મહા શિવરાત્રી મેળો શરૂ થવાને હવે ગણતરીનાં જ કલાકો બાકી રહયા છે. મહા શિવરાત્રી મેળો મીની કુંભમેળા તરીકે પણ ઉજવવામાં આવશે. આ મેળો તા. ૧૧ ફેબ્રુઆરી બુધવારથી શરૂ થઈ રહયો છે અને તેને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહયો છે. બુધવારથી શરૂ થનાર મહા શિવરાત્રીનો મીની કુંભ મેળો ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે શરૂ થશે. અને જે રાત્રે ભવ્ય ડમરૂં યાત્રા, મહા આરતી તેમજ ધર્મસભાનું આયોજન કરવામાં આવનાર છે. મહા શિવરાત્રીના મેળામાં લોકોને મદદ મળી રહે તે માટે વિવિધ કમીટી હેલ્પ લાઈન તેમજ પાયાની સુવિધાનું પુરતું આયોજન કરાયું છે. આ વખતે મહા શિવરાત્રીનો મેળાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે અને ગિરનાર દરવાજાથી અંદાજે સાડા ત્રણ કિમી સુધી રોડ પર ભાવિકોને પીવાનું પાણી છાશ મળી રહે અને મેળો માણી શકે તે માટે સુશોભન સહીતની તૈયારી કરવામાં આવી છે. વાઘેશ્વરી મંદિર ગિરનાર દરવાજા પાસે બસનું પાર્કીંગ રખાયું છે. અન્ય જુદા જુદા વિસ્તારમાં પણ ર૦થી વધુ પાર્કીંગ રાખવામાં આવ્યા છે. અન્ન ક્ષેત્રનાં ઉતારા આશ્રમો માટે માલ સામાનની એન્ટ્રી સવારનાં પ થી ૯ દરમ્યાન રહેશે. તેમજ તા. ૧૪ ફેબ્રુઆરી શનિવારનાં રોજ સંગીત સાથે કાયદાની જાણકારી આપવા કાયદાનો કસુંબલ રંગનો લોકડાયરો યોજાશે. આ સિવાય પાંચ દિવસ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારના  મુખ્યમંત્રી અને  નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ બોર્ડના સંકલન સાથે જૂનાગઢમાં વર્ષ ૨૦૨૬ના મહાશિવરાત્રી  મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તા.૧૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી યોજાશે.
આ વખતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો ગિરનાર દરવાજા અને ભરડાવાવથી ભવનાથ મંદિર  સુધી નો આશરે ૩.૧ કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ વર્ષે મેળાનો વ્યાપ ગિરનાર દરવાજા અને ભરડાવાવ દરવાજાથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીનો રહેનાર છે. આશરે ૩.૧ કિલોમીટરનો આ સમગ્ર રૂટ  પર સવિશેષ સુશોભન કરવામાં આવી રહ્યું છે. આ રૂટને માત્ર આકર્ષક જ નહીં, પરંતુ મહાદેવની શિવ આરાધનાના ભક્તિમય વાતાવરણનો અનુભવ કરાવતી થીમ પર સુશોભિત કરવામાં આવી રહ્યો છે.
રૂટમાં આવતા છ જેટલા પ્રવેશ દ્વારોને વિશેષ લાઈટિંગ અને ફૂલોથી શણગારવામાં આવશે. ભાવિકો માટે ૧૧ જેટલા સેલ્ફી પોઈન્ટ્સ બનાવવામાં આવશે, જ્યાં ભવ્ય મૂતિર્ઓ, પેઇન્ટિંગ્સ અને આકર્ષક લાઈટિંગની વ્યવસ્થા હશે. રૂટ પરના ૨૫૦ જેટલા વૃક્ષોને લાઈટિંગથી હાઈલાઈટ કરાશે અને ૧૦૦થી વધુ વીજપોલને ભગવા રંગ તથા વિશેષ લાઈટિંગથી સુશોભિત કરવામાં આવશે.

રૂટ પર રસ્તાની ખુલ્લી દીવાલો પર મહાશિવરાત્રી થીમ આધારિત પેઇન્ટિંગ્સ કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત, નિયોન લાઈટ્સ, પાર લાઈટ્સ અને શાર્પી લાઈટ્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી એક અદભૂત ઈમેજ ઉભી કરવામાં આવશે. તેમજ રૂટ પર અલગ-અલગ સ્થળોએ મહાદેવ અને ભગવાન દત્તાત્રેયની ભવ્ય પ્રતિમાઓ મુકવામાં આવશે. આ વખતે ર્હોડિંગ્સના બદલે ત્રિપરિમાણીય (3D) ચિત્ર ઉપસ્થિત થાય તે પ્રકારનું વિશેષ બ્રાન્ડિંગ કરવામાં આવશે. ભક્તિમય વાતાવરણ સમગ્ર રૂટ પર ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી અલગ-અલગ પોઈન્ટ્સ પર સતત મંત્રોચ્ચાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વાતાવરણ પૂર્ણપણે ભક્તિમય બની રહે.સુશોભન સમિતિ અને વહીવટી તંત્ર દ્વારા ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય મેળામાં પધારવા અને ભક્તિમય વાતાવરણનો આનંદ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.