કાળવા ચોકમાં સાંજના સમયે ટ્રાફીકની સમસ્યા
શહેરનાં હાર્દ સમા વિસ્તારમાં સાંજે ૬ વાગ્યાથી જ ટ્રાફીક વધતો જાય છે : રસ્તા વચ્ચોવચ્ચ વાહન ઉભા રાખવા, શાકભાજીની લારીઓ, ગેરકાયદેસર વાહન પાર્કિંગને કારણે લોકોને પડતી મુશ્કેલી- સાડા સાત પછી ટ્રાફીક પોઈન્ટ પર કોઈ હોતું નથી અને જાે હાજર હોય તો ટ્રાફીક નિયમન માટે ધ્યાન દેતા નથી
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ શહેરનાં હાર્દ સમા વિસ્તાર કાળવા ચોકમાં સાંજના સમયે ટ્રાફીકની સમસ્યા સતત વધતી જતી હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. અહીંથી પસાર થતાં લોકો, વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. આ બાબતે તત્કાલ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરની ટ્રાફીક સમસ્યા આમ જાેઈએ તો નવી વાત નથી પરંતુ વર્તમાન સમયમાં ટ્રાફીકની સમસ્યા લગભગ દરેક વિસ્તારોમાં જાેવા મળી રહી છે. ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કેઉકેલ આવતો નથી. ઉલ્ટાની ટ્રાફીક સમસ્યા અને તેના પ્રશ્નો વધારે વિકટ થતા જાય છે.
જૂનાગઢ શહેરનાં હાર્દ સમા વિસ્તાર કાળવા ચોકની વાત કરીએ તો કાળવા ચોક અને કાળવાનાં પુલ ઉપરથી દિવસ દરમ્યાન અસંખ્ય વાહનો તેમજ લોકો પસાર થતા હોય છે. કાળવા ચોકનો એક માર્ગ બિલખા રોડ તરફ જાય છે, એક માર્ગ જયશ્રી રોડ તરફ, એક માર્ગ દાતાર રોડ, એક માર્ગ આઝાદ ચોક તરફ જાય છે. તેમજ જવાહર રોડ તરફ જવાનો માર્ગ પણ અહીંથી જ જવાઈ છે. પાન-બીડી, ફરસાણ સહીતની જુદી જુદી દુકાનો આવેલી છે. ઉપરાંત કડીયાવાડ શાકમાર્કેટ પણ કાળવા ચોકની બાજુમાંથી જ આવે છે. ટુંકમાં સવારથી તે મોડી રાત સુધી લોકોની અને વાહનોની સતત અવરજવર રહે છે. બપોરનાં રથી ૪ દરમ્યાન થોડી ઘણી રાહત રહે છે. એવા કાળવા ચોક અને તેની આસપાસ આવેલી દુકાનો, બજારોને કારણે ધમધમતો વિસ્તાર ગણાય છે. શહેરનાં ધમધમતા વિસ્તારમાં ટ્રાફીક રહે એ સ્વભાવિક છે પરંતુ આ ટ્રાફીક કારણ વિનાનો થઈ રહયો હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. જૂનાગઢનાં ભરચકક એવા કાળવા ચોકમાં ટ્રાફીકની સમસ્યા સાંજના સમયે તો ભારે વિકરાળ બને છે. તે અંગે લોકોમાંથી મળતી વિગત અનુસાર એક તો સાંજના સમયે ટ્રાફીક રહે છે, લોકોની અવર-જવર વિશેષ રહે છે. આ ઉપરાંત રસ્તા ઉપર જયાં જુઓ ત્યાં રીક્ષા સહીતનાં વાહનો રોડની વચ્ચોવચ ઉભા રાખી દેવામાં આવતા હોય તો તેને કારણે પણ ટ્રાફીકની સમસ્યા વકરે છે. કાળવા ચોકમાં ટ્રાફીક પોઈન્ટનું સર્કલ છે પરંતુ ત્યાં સાંજના ૭.૩૦ વાગ્યા બાદ કોઈ પોલીસ કર્મચારી કે ટ્રાફીક બ્રીગેડનો કર્મચારી જાેવા મળતો નથી અને જાે હોય તો નિયમન કરતો નથી. અને જેને લઈને મન ફાવે તે રીતે રસ્તામાં વાહનો, રીક્ષા ખડકી દેવામાં આવતા હોય છે. આ ઉપરાંત કડીયાવાડ શાકમાર્કેટની શેરીનાં નાકા બહાર શાકભાજી વેચવાવાળા પણ પોતાની લારી રોડ ઉપર રાખી દેતા હોવાનાં કારણે પણ ટ્રાફીકની સમસ્યા વધે છે. ઘણા દિવસોથી ટ્રાફીકની સમસ્યા કાળવા ચોકમાં ઉદ્ભવેલી છે અને સાંજના ૬ વાગ્યાથી મોડી રાત સુધી અનેકવાર ટ્રાફીક જામનાં દ્રશ્યો જાેવા મળે છે. સ્થાનિક વેપારી, તેમજ આમ જનતા પણ ત્રાસી ગઈ છે. જેથી તંત્ર દ્વારા ટ્રાફીક સમસ્યા હલ કરવાનાં પગલા ભરે તેવી માંગણી ઉઠવા પામી છે.






