જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં માંગરોળની મહિલાએ અંગદાન કરી ૬ વ્યકિતને નવજીવન આપ્યું

બંને કીડની, લીવર અને બંને કોર્નિયાનું અંગદાન કરવામાં આવ્યું છેલ્લા ૧પ દિવસમાં જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં ચોથું અંગદાન નોંધાયું

જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં માંગરોળની મહિલાએ અંગદાન કરી ૬ વ્યકિતને નવજીવન આપ્યું

જૂનાગઢ તા. ૪
માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના વતની ૭૭ વર્ષીય નીતાબેન હરસુખભાઈ રાઠોડને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ પરીવારજનોએ મહાનુભાવતાનો પરીચય આપ્યો હતો. તેમણે અંગદાનની સંમતી આપી જેના કારણે નીતાબેનનાં બંને કીડની, લીવર અને બંને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગદાનથી અંદાજે ૬ વ્યકિતઓને નવું જીવન મળશે. જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાંથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરી અંગોને સુરક્ષીત પહોંચાડવામાં આવ્યા હતાં. આ ઘટના જૂનાગઢ સિવીલ હોસ્પીટલ માટે ગૌરવની વાત છે. કારણ કે સિવીલ હોસ્પીટલમાં છેલ્લા ૧પ દિવસમાં આ ચોથું અંગદાન થયું છે. પહેલું અંગદાન મે-ર૦ર૪માં થયું હતું. જે હોસ્પીટલમાં પ્રથમ અંગદાન નોંધાયું હતું. ત્યારબાદ અંગદાનની પ્રવૃતિ વધી છે. જે લોકોમાં જાગૃતિનું પરીણામ છે. હોસ્પીટલના તબીબી તંત્ર અને સોટોની ટીમે પરીવારને સમજાવી અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેના કારણે આ નિર્ણય લેવાયો હતો. નીતાબેનનાં પરીવારનું આ પગલું અન્ય માટે પ્રેરણારૂપ છે. અંગદાનથી કીડીની અને લીવરના દર્દીઓને નવજીવન મળશે. જયારે કોર્નિયા દાનથી અંધત્વ દૂર થાય છે. જૂનાગઢમાં વધતા અંગદાનથી રાજયનાં અંગદાન અભિયાનને વેગ મળ્યો છે. આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે વધુ લોકો અંગદાન માટે આગળ આવે કારણ કે એક દાનથી અનેક જીવન બચી શકે છે.