બેન્કો અને રિકવરી એજન્ટોની દાદાગીરી પર RBIની લગામ, લોન વસૂલાતમાં ધમકી-ગાળો-મારામારી પર પ્રતિબંધ

1 જાન્યુઆરી 2027થી નવા નિયમો લાગુ થશે; લોનધારકનો મોબાઈલ કે લેપટોપ મનસ્વી રીતે નિષ્ક્રિય પણ નહીં કરી શકે

બેન્કો અને રિકવરી એજન્ટોની દાદાગીરી પર RBIની લગામ, લોન વસૂલાતમાં ધમકી-ગાળો-મારામારી પર પ્રતિબંધ

મુંબઈ, તા. 10
બાકી લોનની વસૂલાત દરમિયાન લોનધારકોને પરેશાન કરતા રિકવરી એજન્ટો સામે ભારતીય રિઝર્વ બેન્કે કડક વલણ અપનાવ્યું છે. RBI દ્વારા લોનની વસૂલાત માટે ધમકી, અપમાનજનક ભાષા, વારંવાર ફોન અને હિંસક વર્તન જેવી રીતો પર નિયંત્રણ લાવતાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી લોનની વસૂલાતના નામે ફોન, મેસેજ અને સોશિયલ મીડિયા મારફતે ગ્રાહકોને સતત હેરાન કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને RBIએ બેન્કો અને રિકવરી એજન્ટો માટે માર્ગદર્શિકા વધુ કડક બનાવી છે. હવે લોનની વસૂલાત દરમિયાન ગ્રાહક સાથે ધમકીભરી કે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી શકાશે નહીં.
નવા નિયમો અનુસાર રિકવરી એજન્ટો લોનધારક ઉપરાંત તેના પરિવારના સભ્યો, મિત્રો, સહકર્મીઓ અથવા લોન માટે રેફરન્સ આપનાર વ્યક્તિને પણ ધમકી આપી શકશે નહીં કે જાહેરમાં અપમાનિત કરી શકશે નહીં. લોન ચૂકવવામાં નિષ્ફળ જવાથી ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવી અથવા દેવા અંગે ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી આપવી પણ નિયમોના દાયરામાં આવશે.
RBIએ અયોગ્ય રીતે વારંવાર ફોન કરીને લોનધારકને પરેશાન કરવા તથા વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરવા જેવી પ્રવૃત્તિઓ સામે પણ કડક વલણ અપનાવ્યું છે. અગાઉ પણ કેન્દ્રીય બેન્ક દ્વારા અયોગ્ય સમયે ફોન કરવા અને બળજબરીભર્યા વ્યવહાર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.
નવા નિયમોમાં ટેક્નોલોજીના દુરુપયોગને લઈને પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. બેન્કો માત્ર બાકી લોનની વસૂલાત માટે લોનધારકના મોબાઈલ ફોન અથવા લેપટોપને નિષ્ક્રિય કરી શકશે નહીં. જોકે, જો સંબંધિત ઉપકરણ ખરીદવા માટે બેન્કે પોતે ધિરાણ આપ્યું હોય તો ચોક્કસ પરિસ્થિતિમાં તેના પર કાર્યવાહી કરવાની મંજૂરી રહેશે.
આવા અપવાદરૂપ કિસ્સામાં પણ બેન્કોએ ઉપકરણને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરવી પડશે. ખાસ કરીને મોબાઈલના જરૂરી ફીચર્સ જેમ કે ઇનકમિંગ કોલ, SMS અને ઇમરજન્સી SOS સુવિધાઓ બંધ કરી શકાશે નહીં.
RBIના આ નવા નિયમોથી લોનની વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા વધવાની અને ગ્રાહકોને ગેરવર્તનથી રાહત મળવાની અપેક્ષા છે. બેન્કો તથા તેમના દ્વારા નિયુક્ત રિકવરી એજન્ટોએ હવે બાકી લોનની વસૂલાત કરતી વખતે નિર્ધારિત નિયમોનું પાલન કરવું પડશે.