જૂનાગઢનાં માર્ગો છે કે ઢોરવાડો ? જયાં જુઓ ત્યાં પશુઓના ટોળા અને ખાડારાજ

શહેરમાં રખડતા પશુઓની  સંખ્યા રપ૦૦ થી વધારે- ઢોર પકડવાની મનપા તંત્રની કામગીરી માત્ર કાગળ પર

જૂનાગઢનાં માર્ગો છે કે ઢોરવાડો ? જયાં જુઓ ત્યાં પશુઓના ટોળા અને ખાડારાજ

જૂનાગઢ તા.ર૯
જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહયો છે. મોટાભાગનાં માર્ગો ઉપર જયાં જુઓ ત્યાં પશુઓનાં ટોળા ફરતા જાેવા મળે છે. અને રસ્તાની વચ્ચોવચ અડીંગો જમાવીને બેઠેલા પણ જાેવા મળે છે. રસ્તે બેઠેલા પશુઓની પાસેથી પસાર થવું એટલે રાહદારી, વાહન ચાલકોને  સતત સાવધાની રાખવી પડે છે. અચાનક કોઈ પશુ અવાજથી ભડકે અને દોડવા લાગે ત્યારે ત્યાંથી પસાર થનારને હડફેટે લઈ લે અને ભોગ બનનારને નાના મોટી ઈજા પહોંચે, આવા બનાવો અવારનવાર બનતા રહયા છે. રખડતા ઢોરની વધી રહેલી સમસ્યા અંગે  મનપા તંત્રને  અવાર-નવાર રજુઆતો અને ફરીયાદો પણ જાગૃત નાગરીકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આવી ફરીયાદો પ્રત્યે ધ્યાન આપવામાં આવતું ન હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. વધુમાં મનપા દ્વારા ઢોર પકડવા બાબતની કામગીરી જેવી તેવી કરે છે અને શહેરમાંથી ઢોર પકડી લેવામાં આવ્યા હોવાના દાવાઓ પણ કરવામાં આવે છે પરંતુ મનપા તંત્રનાં દાવા પોકળ સાબીત થયા છે. તંત્ર દ્વારા ઢોર પકડવાની અને તેને ડબ્બે પુરવાની અસરકારક કામગીરી કરવામાં આવી હોય તો શહેરમાં રખડતા ઢોર જાેવા ન મળે.! એક અંદાજ પ્રમાણે શહેરમાં હાલ રખડતા ઢોરની સંખ્યા રપ૦૦થી વધારે છે. અને જાે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઢોરની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે તેમ છે. 
શહેરમાં જાહેર માર્ગો ઉપર જયાં જુઓ ત્યાં પશુઓનાં અડીંગા જાેવા મળે તે બાબતે જાણકાર સુત્ર દ્વારા મળતી વિગત અનુસાર એક તો દુઝણા પશુઓ દુધ આપતા બંધ થાય એટલે જે તે પશુઓનાં માલીક દ્વારા આવા ઢોરને રસ્તે રખડતા મુકી દેવામાં આવે છે. આ ઉપરાંત હાલ વરસાદ અપુરતો અને કેટલાક વિસ્તરામાં વરસાદ ખુબજ ઓછો થવાનાં કારણે ઘાસચારાની પણ તંગી સર્જાઈ રહી છે. રાત્રીનાં વખતે ગ્રામ્ય વિસ્તારોમાંથી ઢોરને વાહનમાં લઈ અને જૂનાગઢ સીટી વિસ્તારમાં મુકી જતાં હોવાની ફરીયાદો ઉઠી છે.  જાે આ બાબત સાચી હોય તો વધુ સાવચેતીની જરૂર છે. વરસાદની અછતને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓને જૂનાગઢ સીટીમાં મોકલી દેવાની પ્રવૃત્તિ સતત ચાલુ રહે તો શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હજુ પણ ગંભીર બને તેવો ભય દર્શાવવામાં આવ્યા છે. રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે જાહેરનામું, નિયમો પણ છે જ, ઢોરમાલીકો પોતાના ઢોરને રસ્તે રખડતા મુકી જતાં હોય તો તેની સામે દંડાત્મક કાર્યવાહીની પણ જાેગવાઈ છે. ઉપરાંત મનપા તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોરને ડબ્બે પુરવા અને જાે ડબ્બે પુરી શકવા માટે અસમર્થતા હોય તો શહેરમાં ફરી રહેલા રખડતા ઢોરને ગૌશાળાઓને સોપણી કરી દેવી જાેઈએ અને આવા ઢોરના નિભાવ માટેની કાર્યવાહી કરવી જાેઈએ. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓને જૂનાગઢ શહેરમાં છોડી મુકવામાં આવતા હોવાની ફરીયાદો સામે પણ તેની ખરાઈ કરી જરૂરી પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત પોલીસની મદદ લઈ અને સીસીટીવીમાં વોચ રાખવામાં આવે તો જૂનાગઢમાં ઢોરને છોડી મુકવા આવનારની પણ ઓળખ થઈ જાય અને નિયમ મુજબ તેમની સામે કાર્યવાહી કરવાની પણ  જરૂર છે. આમ, જૂનાગઢ શહેરમાંથી રખડતા ઢોરની વધતી જતી સમસ્યા સામે  મનપા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.