સૌરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ યાત્રાધામો ભવનાથ, ગીરનાર, સોમનાથ, દ્વારકામાં ભાવિકોનો ઘસારો

સૌરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ યાત્રાધામો ભવનાથ, ગીરનાર, સોમનાથ, દ્વારકામાં ભાવિકોનો ઘસારો

જૂનાગઢ તા. ર૯
શ્રાવણ માસનો આજથી બીજા ચરણમાં પ્રારંભ થયો છે. તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે સૌરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ યાત્રાધામોમાં ભાવિકોનો ઘસારો જાેવા મળે છે. 
દેવાધીદેવ ભગવાન શિવજીની પૂજા અર્ચના અને આરાધના માટેનો મહિનો ગણાતાં શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને ભજવાનું અનેરૂ અને આગવું મહત્વ રહેલું છે. શિવજીને બિલીપત્ર, દુધાભિષેક, જલાભિષેક સહીતની વિશેષ પુજા શિવ મંદિરોમાં કરવામાં આવી રહી છે. આમ જાેઈએ તો પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભે જ સૌરષ્ટ્રભરના શિવ મંદિરોમાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા છે. દરમ્યાન શ્રાવણ માસનાં બીજા ચરણનો આજથી પ્રારંભ થયો છે ત્યારે સૌરાષ્ટ્રનાં તમામ શિવ મંદિરોમાં ભાવિકોની ભીડ જાેવા મળી રહી છે.
 ખાસ કરીને પ્રવાસન ધામ તરીકે ઓળખાતા ભવનાથ અને ગીરનાર ક્ષેત્રમાં ભાવિકોનો મહેરામણ ઉમટી પડયો છે. આ ઉપરાંત સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવી પહોંચ્યા છે. દ્વારકામાં પણ ભાવિકોનો ભારે ઘસારો જાેવા મળી રહયો છે. 
વાંકાનેર ખાતે બિરાજતા સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે પણ દર્શનાર્થીઓ ઉમટી પડયા છે. આગામી તા.૩૧ ઓગસ્ટ અને સોમવારનાં દિવસે પણ સૌરાષ્ટ્રમાં આવેલા ધાર્મિક સ્થળો અને શિવ મંદિરોમાં ભાવિકોનો ભારે જમાવડો રહેશે. અને દૂર દૂરથી પ્રવાસી જનતા સુપ્રસિધ્ધ ધર્મસ્થાનોએ દર્શન માટે આવી રહેલ છે.